લંડનઃ હાઉસ ઓફ કોમન્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ગ્રૂમિંગ ગેંગ્સ પર રાષ્ટ્રવ્યાપી તપાસની માગ સત્તાધારી લેબર પાર્ટીએ નકારી કાઢી હોવા છતાં દિન પ્રતિદિન આ માગ ઉગ્ર બની રહી છે. કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોકે તાજેતરમાં ઓલ્ડહામ અને રોધરહામની પીડિતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની રજૂઆતોને આઘાતજનક ગણાવી હતી.
બેડનોકે જણાવ્યું હતું કે, પીડિતાઓએ સંખ્યાબંધ વાર સત્તાવાળાઓ સમક્ષ તેમની આપવીતી રજૂ કરી હતી અને એક કેસમાં તો પોલીસે જ 12 વર્ષની કિશોરીને તેનું શોષણ કરનારાઓને સોંપી દીધી હતી. બેડનોકના સૂરમાં રોધરહામના લેબર સાંસદ સારા ચેમ્પિયને પણ સૂર મિલાવ્યો છે. તેમણે ગ્રૂમિંગ ગેંગ્સની રાષ્ટ્રવ્યાપી તપાસનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની તપાસ સિસ્ટમમાં વિશ્વાસ પ્રતિપાદિત કરી શકશે.
બેડનોકે જણાવ્યું હતું કે, પીડિતાઓને ન્યાય અપાવવા માટે મારી પાર્ટી ગમે તે હદ સુધી જશે. અત્યાર સુધી કરાયેલી ઇન્કવાયરી પૂરતી નથી. આપણે આ દિશામાં વધુ પગલાં લેવાની જરૂર છે. દેશમાં ચોક્કસ સમુદાયો એક સુનિયોજિત પેટર્ન પર આ પ્રકારના અપરાધ આચરી રહ્યાં છે.
રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે પણ રાષ્ટ્રીય તપાસની માગને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, અગાઉની ઇન્કવાયરીઓમાં શોટગન જેવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો પરંતુ હવે રાયફલ શોટ જેવો અભિગમ અપનાવવાની જરૂર છે. જેથી ગ્રૂમિંગ ગેંગ્સ અને તેમાં પણ પાકિસ્તાની ઓરિજીનની ગેંગ્સ સામે કડક હાથે કામ લઇ શકાય. જો આપણે તેની ઊંડાણપુર્વક તપાસ નહીં કરીએ તો આ પ્રકારના અપરાધોને ક્યારેય અટકાવી શકીશું નહીં. જો સરકાર જાન્યુઆરીના અંત સુધીમાં તપાસનો આદેશ નહીં આપે તો મારી પાર્ટી જાતે તપાસ શરૂ કરાવશે.
લીવરપુલ વોલ્ટનના લેબર સાંસદ ડેન કાર્ડેને પણ ગ્રૂમિંગ ગેંગ્સની દેશવ્યાપી તપાસની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જનતાની સહાનુભૂતિ પીડિત સગીરાઓ અને બાળકો સાથે છે. જનતાની ન્યાય માટેની માગ પર ધ્યાન આપવું જ જોઇએ. સત્તામાં રહેલા લોકો દ્વારા આ માગનો સ્વીકાર થતો નથી તે આઘાતજનક છે.