લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક વિદેશોમાં યુકેની ગ્રેજ્યુએટ વિઝા સ્કીમનો વેપલો કરી રહેલા એજન્ટો પર ત્રાટકવાની તૈયારી કરી રહ્યાં છે. આગામી સંસદની ચૂંટણી પહેલાં સુનાક માઇગ્રેશન મુદ્દે આકરું વલણ રજૂ કરવા માગે છે. સુનાક ચોક્કસ દેશોમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ગેરમાર્ગે દોરતી માહિતી આપતા રિક્રુટમેન્ટ એજન્ટો સામે આકરી કાર્યવાહી માટે પગલાંની જાહેરાત કરશે. તેઓ ગ્રેજ્યુએટ રૂટ વિઝા સ્કીમમાં પણ સુધારાની વિચારણા કરી રહ્યાં છે જેથી ફક્ત તેજસ્વી વિદ્યાર્થીઓને જ આ વિઝા આપવામાં આવે. આ રીતે તેઓ યુકેમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવા માગે છે. નવા પગલાંની જાહેરાત આગામી સપ્તાહમાં કરાય તેવી સંભાવના છે.
આ માટે સુનાક સરકાર એજન્ટોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા અને ગેરરિતી માટે દંડની જોગવાઇની તૈયારી કરી રહી છે. તે ઉપરાંત ફક્ત તેજસ્વી વિદ્યાર્થીઓ જ યુકેમાં આવે તે માટે સરકાર ગ્રેજ્યુએટ વિઝા સ્કીમમાં સુધારાની પણ વિચારણા કરી રહી છે.
સરકાર હાઇ પોટેન્શિયલ ઇન્ડિવિડ્યુઅલ પ્રોગ્રામ માટે વિચારણા કરી રહી છે જેમાં કોઇપણ પ્રકારની નોકરીની સ્પોન્સરશિપ વિના વિશ્વની ટોચની 50 યુનિવર્સિટીના સ્નાતકોને યુકેમાં બે વર્ષ રહેવાની પરવાનગી આપવામાં આવે. એક એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને જ ગ્રેજ્યુએટ રૂટ વિઝા સ્કીમ અંતર્ગત વિઝા આપવામાં આવે.