લંડનઃ યુકેમાં અભ્યાસ પૂરો થયા બાદ વિદેશી વિદ્યાર્થીઓને બે વર્ષ દેશમાં રહેવાની પરવાનગી આપતા ગ્રેજ્યુએટ વિઝા રૂટને હાલના સ્વરૂપે જાળવી રાખવા સરકારના ઇમિગ્રેશન સલાહકારોએ ભલામણ કરી છે. માઇગ્રેશન એડવાઇઝરી ગ્રુપની આ ભલામણને પગલે યુકેમાં ઇમિગ્રેશન ઘટાડવાના પ્રયાસ કરી રહેલા વડાપ્રધાન રિશી સુનાકની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગ્રેજ્યુએટ વિઝા રૂટનો યુકેમાં સ્થાયી થવા માટે માઇગ્રન્ટ્સ દ્વારા પાછલા બારણે ઉપયોગ થતો હોવાની ચિંતાઓ મધ્યે હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ માઇગ્રેશન એડવાઇઝરી ગ્રુપને તેની સમીક્ષાનો આદેશ આપ્યો હતો.
માઇગ્રેશન એડવાઇઝરી ગ્રુપે જણાવ્યું છે કે ગ્રેજ્યુએટ રૂટનો દુરુપયોગ થઇ રહ્યો હોવાના કોઇ પુરાવા અમારી સામે આવ્યા નથી. તેનાથી યુકેની હાયર એજ્યુકેશન સિસ્ટમની ગુણવત્તા અને વિશ્વસનિયતા પર પણ કોઇ અસર પડી રહી નથી. ગ્રુપે તેના રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓ દ્વારા નિયુક્ત કરાયેલી રિક્રુટમેન્ટ એજન્સીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે યુકેની હાયર એજ્યુકેશન સિસ્ટમનો દુરુપયોગ કરી રહી છે. એજન્સીઓ બિનજરૂરી જાહેરાતો દ્વારા ચોક્કસ પ્રકારના અભ્યાસક્રમો અથવા તો યુનિવર્સિટીઓની તરફેણ કરી રહી છે.
ગ્રુપે જણાવ્યું હતુંમ કે, ગ્રેજ્યુએટ રૂટ દ્વારા ગયા વર્ષે 70,000 વિદ્યાર્થીઓનું નેટ માઇગ્રેશનમાં યોગદાન આપ્યું હતું જે કુલ નેટ માઇગ્રેશનના ફક્ત 10 ટકા હતું. આ વર્ષે લાગુ કરાયેલા ઉચ્ચ પગાર ધોરણો, પારિવારિક નિયંત્રણો અને હેલ્થ સરચાર્જ તથા વિઝા ફીમાં કરાયેલા વધારાના કારણે આ સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે.
શું છે ગ્રેજ્યુએટ રૂટ વિઝા
યુકેમાં 9 મહિનાના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમ પૂરો કરનાર વિદેશી વિદ્યાર્થીને ગ્રેજ્યુએટ વિઝા અંતર્ગત યુકેમાં બે વર્ષ રહેવાની પરવાનગી આપવામાં આવે છે. પીએચડીના કિસ્સામાં 3 વર્ષની પરવાનગી અપાય છે. આ માટે તેમણે અરજી ફી પેટે 822 પાઉન્ડ અને હેલ્થ સરચાર્જ પેટે 1035 પાઉન્ડ ચૂકવવાના રહે છે. આ વિઝાની શરૂઆત 2021માં બોરિસ જ્હોન્સન સરકાર દ્વારા કરાઇ હતી.