લંડનઃ યુકેની સુનાક સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અભ્યાસ પૂરો થયા બાદ બે વર્ષ માટે યુકેમાં કામ કરવાની પરવાનગી આપતા ગ્રેજ્યુએટ વિઝા રૂટને યથાવત રાખવાની જાહેરાત કરી છે. હવે હોમ ઓફિસ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને એડમિશન અપાવતા એજન્ટોને નિયંત્રિત કરશે અને યુનિવર્સિટીઓ માટે પણ આકરા નિયમો તૈયાર કરશે. સરકારે જણાવ્યું હતું કે, તે માઇગ્રેશન એડવાઇઝરી કમિટી દ્વારા કરાયેલી ભલામણોનો સ્વીકાર કરશે. માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રૂટ નાબૂદ નહીં કરવાની ભલામણ કરી હતી.
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી અને એજ્યુકેશન સેક્રેટરી જિલિયન કીગને કરેલી જાહેરાત અનુસાર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને એડમિશન અપાવતા લેભાગુ એજન્ટોના બિઝનેસ મોડેલને ધરાશાયી કરાશે અને એજન્ટો દ્વારા ઓછા ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓને પણ એડમિશન અપાવી દેવાતું હોવાનું જાણમાં આવતાં હવે એજ્યુકેશન એજન્ટો માટે નવી રજિસ્ટ્રેશન સ્કીમ તૈયાર કરાશે.
જે યુનિવર્સિટીઓ એડમિશન માટેના નિયમોનું પાલન નહીં કરે તેમના સ્પોન્સર લાયસન્સ રદ કરી દેવાશે. હાઇ ડ્રોપ આઉટ રેટ ધરાવતા શિક્ષણ સંસ્થાનો અથવા તો જે સંસ્થાનોમાં એડમિશન મળ્યાં છતાં વિદ્યાર્થી એનરોલ કરી શક્તાં નથી તેમના લાયસન્સ રદ કરી દેવાશે. બંને મંત્રીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલીક યુનિવર્સિટીઓ ઓછી ગુણવત્તા ધરાવતા એવા વિદ્યાર્થીઓને એડમિશન આપે છે જેઓ પાછલા બારણે યુકેમાં પ્રવેશવા માટે તેમના અભ્યાસક્રમોનો ઉપયોગ કરે છે.
ક્લેવરલીએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની અરજીઓમાં 25 ટકા જેવો મોટો ઘટાડો નોંધાયો છે. આપણે આપણા ઇમિગ્રેશન રૂટનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવું પડશે. તેના કારણે જ અમે લેભાગુ ઇન્ટરનેશનલ એજન્ટો સામે કાર્યવાહી કરી રહ્યાં છીએ. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ યુકેમાં કામ કરવા નહીં પરંતુ અભ્યાસ કરવા માટે આવવા જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે નવા નિયમોનું સખ્તાઇથી પાલન કરવાનું રહેશે નહીંતર તેમના લાયસન્સ રદ કરી દેવાશે.
યુનિવર્સિટીઓ માટેના મૂળભૂત નિયમ
- એડમિશન આપેલા વિદેશી વિદ્યાર્થીઓમાં વિઝા રિફ્યુઝલ રેટ 10 ટકા કરતાં ઓછો હોવો જોઇએ
- એડમિશન આપેલા 90 ટકા વિદેશી વિદ્યાર્થી એનરોલ થવા જોઇએ
- 85 ટકા કરતાં વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂરો કરે તે સુનિશ્ચિત કરવું પડશે
- વિદેશમાં રહીને અભ્યાસ કરી પાછળથી યુકેમાં કામ કરવાની તકો આપતી યુનિવર્સિટીઓ સામે આકરા પગલાં લેવાશે
વિદેશી વિદ્યાર્થી માટેના નિયમો
- વિદેશી વિદ્યાર્થીએ યુનિવર્સિટીની ફી અને તેના અન્ય ખર્ચ ઉઠાવી શકશે તે માટે જરૂરી ભંડોળ ઉપલબ્ધ હોવાનો પુરાવો આપવો પડશે
- આ ખર્ચની રકમ વધારીને લંડનમાં 1,334 પાઉન્ડ અને લંડન બહારની યુનિવર્સિટી માટે 1023 પાઉન્ડ કરાશે
- અંગ્રેજી ભાષાની પરીક્ષા આકરી અને ફરજિયાત કરાશે, તેના વિના યુકેની યુનિવર્સિટીમાં પ્રવેશ અપાશે નહીં
- નવા નિયમો અનુસાર વિદેશી વિદ્યાર્થીએ યુકે સ્થિત યુનિવર્સિટીમાં હાજરી આપીને જ અભ્યાસ કરવો પડશે