ગ્રેડિંગ્સની ભારે ગરબડો પછી વિદ્યાર્થીશક્તિનો અભૂતપૂર્વ વિજય

પ્રિયંકા મહેતા - શેફાલી સક્સેના Wednesday 19th August 2020 05:19 EDT
 
 

લંડનઃ સરકારે એ-લેવલના પરિણામોમાં જે રીતે ગરબડ કરી છે તેનાથી સર્જાયેલા વિરોધના વંટોળ અને રાજીનામાની જોરદાર માગણી છતાં, ગાવિન વિલિયમસન એજ્યુકેશન સેક્રેટરી તરીકે હજુ યથાવત છે. જોકે, વિદ્યાર્થીઓના વિરોધના પરિણામે સરકારને ઓફક્વોલ (Ofqual) અલ્ગોરિધમ રદ કરવાની ફરજ પડી છે. સરકારે સેન્ટર એસેસ્ડ ગ્રેડ્સ (CAGs) સ્વીકારીને પીછેહઠ ભલે કરી હોય પરંતુ, વિદ્યાર્થીઓને શરૂઆતમાં યુનિવર્સિટીઓમાં જે કોર્સીસના અભ્યાસની ઓફર થઈ હતી તે બેઠકો ભરી જવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમા મૂકાયા છે. એકેડેમિક્સ માને છે કે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સ્ટુડન્ટ્સ ફરી એક વખત પાછળ પડી જશે.
એજ્યુકેશન સેક્રેટરી અને સાઉથ સ્ટાફોર્ડશાયરના ટોરી સાંસદ વિલિયમસન અને ઓફ્વોલે સ્પષ્ટ કર્યું છે કે સરકાર સ્ટાન્ડર્ડાઈઝેશન પ્રક્રિયા ત્યાગી દેશે અને ઈંગ્લેન્ડમાં GCSEs અને એ-લેવલ્સ માટે શિક્ષક મૂલ્યાંકનનો ઉપયોગ કરશે.

આ સાથે હજારો વિદ્યાર્થીઓના ગ્રેડ્સમાં સુધારો થઈ જશે પરંતુ, તેમના ઈચ્છિત વિષયોમાં અભ્યાસ કરવા મળશે કે કેમ તે પ્રશ્ન હજુ ઉભો છે.
ટ્વિકેનહામના સાંસદ તેમજ લિબ ડેમના હેલ્થ એન્ડ સોશિયલ કેર પ્રવક્તા મુનિરા વિલ્સને ઓફક્વોલની જાહેરાત અગાઉ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યયું હતું કે સમગ્ર એ-લેવલ ગ્રેડિંગ પ્રોસેસમાં સરકારના નકામા ધોરણોથી યુવાન વિદ્યાર્તીઓએ સહન કરવું પડ્યું છે. સરકારમાંથી ઉદ્ભવતી અચોક્કસતા અને ગૂંચવાડાથી પરિસ્થિતિ વધુ ખરાબ થતી જાય છે.

ગ્રેડ્સ ડાઉનગ્રેડ થયા હોય તેવા અસંખ્ય વિદ્યાર્થીઓમાં એક પ્રિયંકા છે તો ક્વીન એલિઝાબેથ બોઈઝ સ્કૂલના આદિત્ય ચક્રવર્તીની પણ આ જ હાલત છે. આદિત્યને ક્વીન્સ મેરી ખાતે લો અને પોલિટિક્સ અથવા નોટિંગહામ યુનિવર્સિટી ખાતે લો અને ક્રિમિનોલોજીનો અભ્યાસ કરવાનો હતો પરંતુ, હિસ્ટરી, પોલિટિક્સ અને ઈંગ્લિશના પરિણામો ડાઉનગ્રેડ થયાં પછી તેને બંને યુનિવર્સિટીમાં પસંદગીના વિષયોમાં અભ્યાસ કરવા મળે તેમ નથી. આથી, તે હવે ક્વીન્સ મેરી ખાતે પોલિટિક્સનો અભ્યાસ કરશે.

પોસ્ટકોડ્સ અને સોસિયો-ઈકોનોમિક પશ્ચાદભૂના આધારે પરિણામો

ઓફક્વોલ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં ૭૦૦,૦૦૦ શિક્ષકો દ્વારા સબમિટ કરાયેલા એસેસમેન્ટ્સમાંથી ૩૯.૧ ટકાને સ્ટાન્ડર્ડાઈઝેશન પ્રોસેસ દરમિયાન એક કે વધુ ગ્રેડ ઘટાડવામાં આવ્યા છે જ્યારે માત્ર ૨.૨ ટકા એસેસમેન્ટ્સને જ અપગ્રેડ કરાયાં છે. આના પરિણામે સમગ્ર યુકેમાં દેખાવો અને વિરોધનો વંટોળ ફૂંકાયો હતો.આવા જ એક દેખાવનું આયોજન કોવેન્ટ્રીમાં સિડની સ્ટ્રિંગર એકેડેમીના યાકુબ ઈમરાને અન્ય યુનિવર્સિટીઓ અને સંગઠનોના સહકારથી રેસિઝમ સામે અવાજ ઉઠાવવા તરીકે કર્યું હતું. વંચિત સોશિયો-ઈકોનોમિક બેકગ્રાઉન્ડ અને પોસ્ટકોડ્સના આધારે ગ્રેડ્સ નિર્ધારિત કરાયાતી ચિંતિત યાકુબે મિનિસ્ટર્સને ખુલ્લા પત્રો લખ્યા હતા અને કોવેન્ટ્રીના ગોડિવા સ્ક્વેરમાં માર્ચ યોજી હતી.

ઓપન ટ્યુટરિંગ યુકે દ્વારા વંચિતોને ફ્રી ટ્યુટોરિયલ્સની ઓફર

આ અરાજકતા વચ્ચે કેટલાક સ્ટુડન્ટ્સ નવી રીતે વિચારી રહ્યા છે. કચડાયેલી પશ્ચાદભૂ સાથેના વિદ્યાર્થીઓને ટ્યૂશન માટે નાણાકીય વ્યવસ્થા ન હોય અને ફરીથી પરીક્ષા આપી શકે તેમ ન હોય તેઓને મદદ કરી રહ્યા છે. ગ્રેસ આલમન્ડ દ્વારા સ્થાપિત
ઓપન ટ્યુટરિંગ યુકે ૫૦૦ વોલન્ટીઅર શિક્ષકોનું નેટવર્ક છે જેઓ વિદ્યાર્તીઓને તેમના ટ્યુટર સાથે જોડીને આમનેસામને સેશન ઓફર કરી રહ્યા છે. સંસ્થાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘વિદ્યાર્થીઓ ટ્યુટરિંગના વિવિધ સ્તર અને કોન્ટેક્ટ કલાકોની પૂછપરછ કરી રહ્યા છે. અમારી પાસે ટ્યુટરિંગનો ચોક્કસ સમયગાળો નથી અને ફેરપરીક્ષા ઝડપથી ઓટમમાં આવી રહી છે તેમજ અમારી પાસે શાળાઓ જેટલાં સ્રોતો પણ નથી. જોકે, અમે ચોક્કસ નિયમો અને કોમ્યુનિકેશન્સ સિસ્ટમ્સ કામે લગાવી છે જેનાથી પ્રોગ્રામના શરુઆતના થોડા સપ્તાહો ટ્યુટર્સ અને વિદ્યાર્થીઓ સાથે કામ શરુ કરવા ખાતરી કરી શકાય.’

ધાર્યા ગ્રેડ્સ ન આવતા વિદ્યાર્થીના પિતાને હાર્ટ એટેક

હેરોના ૧૮ વર્ષીય શૈલેન પટેલનું A-level પરીક્ષાનું પરિણામ ધાર્યા કરતાં ખૂબ ઓછું આવતા તેના પિતાને હળવો હાર્ટ એટેક આવતા તાકીદે સેન્ટ મેરી હોસ્પિટલે લઈ જવાયા હતા. જહોન લ્યોન સ્કૂલના વિદ્યાર્થી શૈલેનને આ પરીક્ષામાં ત્રણ A આવશે તેવો અંદાજ હતો પરંતુ, તેને એક B અને બે C આવતા તેને આઘાત લાગ્યો હતો.
આ સમાચાર સાંભળીને તેના પિતાને છાતીમાં ભારે દુઃખાવો શરૂ થયો હતો અને તે ફસડાઈ પડ્યા હતા. પરિવારજનોએ તેને હળવો હાર્ટ એટેક ગણાવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં તપાસ બાદ તેઓ શાંત થયા હતા. ડોક્ટરોએ આ એન્ક્ઝાઈટી એટેક જેવું હોવાનું નિદાન કર્યું હતું.
શૈલેન યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં મેડિસીનનો અભ્યાસ કરવા માગતો હતો. પરંતુ, દેશમાં મોટાભાગના મેડિસીન કોર્સ માટે જરૂરી AAA ગ્રેડ ન આવતા તેનું સ્વપ્ન રોળાઈ ગયું હતું. શૈલેનને કેવા પ્રકારની મદદ અને કાઉન્સેલિંગ અપાઈ રહ્યું છે તે સમજવા ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા શાળાનો સંપર્ક કરવા પ્રયત્ન કરાયો હતો પરંતુ, તેમણે અમારા પ્રશ્નોનો કોઈ ઉત્તર વાળ્યો નહિ, કોરોના મહામારીને લીધે બધા વિદ્યાર્થીઓને ધાર્યા કરતાં સારા પરિણામની અપેક્ષા હતી. પરંતુ, ઈંગ્લેન્ડમાં એક્ઝામ બોર્ડે પાંચમાથી બે વિદ્યાર્થીઓના ગ્રેડ ઘટાડી દીધા હોવાનું Ofqualની માહિતીમાં જણાયું હતું.

સાયકોથેરાપિસ્ટના મતે પેરન્ટ્સ માટે જાગી જવાનો સમય

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસે શિક્ષણના પરફોર્મન્સના દબાણના સાયકોલોજિકલ પરિણામો વિશે, સીનિયર એક્રેડિટેડ, ડેપ્થ સાયકોથેરાપિસ્ટ, એજ્યુકેટર તેમજ રેડિયો ટીવી કોમેન્ટેટર લીના મુખરજી BSc MA BACP સાથે વાતચીત કરી હતી. તેમણે એ-લેવલ્સ પરિણામોને સંપૂર્ણ અરાજક ફારસ ગણાવતાં કહ્યું હતું કે‘ નબળી આશાઓ અને નબળા બેકગ્રાઉન્ડમાંથી આવતા બાળકો સાથે ભેદભાવ છે તેમજ યુકેમાં કાસ્ટ સિસ્ટમ દ્વારા અન્યાય છે. શિક્ષણનો આ તબક્કો તમે જે માર્ગે આગળ વધવા માગતા હો તે માટે મહત્ત્વનો છે. હકીકત એ છે કે દબાણ ભારે છે. આટલા બધા સારા પુરવાર થવું તે શરમમાં ઘટાડો કરવા સમાન છે. બાળક તેમનો શ્રેષ્ઠ દેખાવ કરે તેવી અપેક્ષા પણ ખરાબ છે. પેરન્ટ્સ માટે આ જાગી જવાની ઘંટડી છે. તેમમે પોતાને પૂછવું જોઈએ કે બાળક પર આટલી બધી અપેક્ષાનો ભાર મુકી હું તેમને આખી જિંદગી નુકસાન કરી રહું છું? જો તેમને સારા ગ્રેડ નહિ મળે તો પણ તેઓ સારી ડીગ્રી અને નોકરી મેળવી શકશે. આ સમગ્ર બાબત સ્ટેટસની છે. આના સિવાય પણ જિંદગીમાં ઘણું છે. તમે શું કરો છો તે નહિ પરંતુ, તમે શું છો તેનું મહત્ત્વ છે, મૂલ્ય છે.’

વિદ્યાર્થીઓના પ્રતિભાવ

• મુશ્કેલીમાં મૂકાવાં છતાં સરકારની શરણાગતિને આવકારતા પ્રિયંકા વીર્ડી કહે છે કે,‘સૌ પહેલા તો જે વિદ્યાર્થીએ પરીક્ષા આપી જ ન હોય તેમને U મળવો ન જોઈએ. ગાવિન વિલિયમસને અમારા શિક્ષકો પર વિશ્વાસ રાખીને વિદ્યાર્થીઓને તેમના CAGs આપવા જોઈતા હતા. અલ્ગોરિધમ કરતાં શિક્ષકોને તેમના વિદ્યાર્થીઓની ક્ષમતાની જાણકારી હોય છે. ગ્રેડિંગ આપતી વેળાએ શિક્ષકો પૂર્વગ્રહ કે બેકાળજી રાખશે તેમ માની લેવું એ શિક્ષકોની નિષ્ઠા અને પ્રામાણિકતાનો અનાદર છે. સરકારનું પીછેહઠના પગલાંની જરુર હતી જ પરંતુ કોર્સીસની જગ્યાઓ ભરાઈ ગઈ હોવાથી તે ઘણું મોડું છે. મારાં અત્યારના ગ્રેડ્સ મારી ક્ષમતા, હાર્ડ વર્ક અને નિષ્ઠાનું પ્રતિબિંબ કરતા નથી તે જાણતા હોવાથી મારાં પેરન્ટ્સ અને પરિવાર મારો સપોર્ટ કરે છે. જોકે, પાંચ દિવસ લાગણીશીલ ઉથલપાછલ અને તણાવમાં રહેવું પડ્યું તે બિનજરુરી હતું.’
• કોવેન્ટ્રીમાં સિડની સ્ટ્રિંગર એકેડેમીના યાકુબ ઈમરાનનું કહેવું છે કે, ‘સિડની સ્ટ્રિંગર એકેડેમી ખાતે ૯૭ ટકા મેથ્સ એ-લેવલ્સ ડાઉનગ્રેડ કરાયા હતા જેમાંથી અડધાને તો બે ગ્રેડ નીચા ઉતારાયા હતા. ગયા વર્ષે અમારા મેથ્સના A*-B ગ્રેડ્સ ૮૮ ટકા હતા જે આ વર્ષે ઘટીને ૪૫ ટકા થયા છે. અમારા શિક્ષકોએ કરેલી ગણતરીના બદલે અમારા બેકગ્રાઉન્ડ અને પોસ્ટકોડ્સના આધારે કરાયેલી ગણતરી યોગ્ય નથી. અમને પાછળ પાડી દેવાયા છે અને અમારા શિક્ષકોની અવમાનના થઈ છે.’
• બ્રામ્પ્ટન મેનોરના વિજય દામોદરનને A*A*A*A* નો સ્કોર મળ્યો છે અને તે નેચરલ સાયન્સીસના અભ્યાસ માટે કેમ્બ્રિજ જવાનો છે. તેણે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘જો GCSEs ની જેમ પરીક્ષા થવાની હોત તો મારી સ્ટ્રેટેજી અગાઉની પરીક્ષાઓના સંખ્યાબંધ પેપર્સ કમ્પલીટ કરવાની, સુધારાની જરુર હોય તેવા ક્ષેત્રો ઓળખવાની અને તે વિષયમાં મારી કુશળતા વધુ સુધારવાની હતી. મોક પરીક્ષાઓમાં પણ મેં આ જ સ્ટ્રેટેજી અપનાવી હતી. આના પરિણામે મને ૪ A* મળી શક્યા હતા. જે વિદ્યાર્થીઓને તેમના સાચા ગ્રેડ મળી શક્યા નથી તેનું મને ભારે દુઃખ છે. મારા ઘણા મિત્રોને તેમની ક્ષમતા અનુસારના ગ્રેડ મળ્યા નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter