લંડનઃ વર્ષ 2017માં લંડનના ગ્રેનફેલ ટાવરમાં લાગેલી આગની પબ્લિક ઇન્કવાયરીના રિપોર્ટમાં સરકાર, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અને ટાવરમાં સરળતાથી આગ લાગે તેવા સામાનનો ઉપયોગ કરવામાં સંડોવાયેલી કંપનીઓને દોષી ઠેરવવામાં આવ્યાં છે. 14 જૂન 2017ના રોજ સર્જાયેલી આ કરૂણાંતિકાએ 72 નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો. બીજા વિશ્વયુદ્ધ પછીની આ બ્રિટનની સૌથી ઘાતકી આગ હતી.
ઇન્કવાયરીના અધ્યક્ષ માર્ટિન મૂર-બિકે એક વાક્યમાં જણાવ્યું હતું કે, સત્ય તો એ છે કે મોત અટકાવી શકાયાં હોત. રિપોર્ટમાં એપાર્ટમેન્ટ ટાવરના મેન્ટેનન્સમાં સામેલ કંપનીઓ અને ટાવરમાં ઉપયોગમાં લેવાયેલા મટિરિયલને સુરક્ષિત ગણાવનારી કંપનીઓને દોષી ઠેરવવામાં આવી છે. ઇન્કવાયરીએ તત્કાલિન સરકાર, કેન્સિંગ્ટન અને ચેલ્સિયાના સ્થાનિક સત્તામંડળો, ઇન્ડસ્ટ્રી, રેગ્યુલેટરી જૂથો, ચોક્કસ વ્યક્તિઓ અને ફાયર સેફ્ટીના પગલાં લેવામાં નિષ્ફળ ફાયર બ્રિગેડને પણ જવાબદાર ગણાવવામાં આવ્યાં છે.
મૂર-બિકે જણાવ્યું હતું કે દાયકાઓની નિષ્ફળતાઓના કારણે આ કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં જનતાને સ્થાને નફાને વધુ પ્રાથમિકતા અપાઇ હતી. પીડિતોના સંગઠન ગ્રેનફેલ યુનાઇટેડે જણાવ્યું હતું કે, જનતાના જીવનોની સુરક્ષા સરકારની જવાબદારી છે. સરકારે જનતાને કોર્પોરેટ કંપનીઓની લાલચ સામે રક્ષણ આપવું જોઇએ. પરંતુ સરકાર કંપનીઓને નફાખોરીમાં મદદ કરતી રહી હતી.
વડાપ્રધાન કેર સ્ટાર્મરે પીડિતોના સગાં અને આ કરૂણાંતિકામાં બચી ગયેલા લોકોની માફી માગતા જણાવ્યું હતું કે, અમે વર્ષો સુધી નિષ્ફળ ગયાં હતાં. આવું થવું જોઇતું નહોતું. દેશ તેની મૂળભૂત જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયો છે.