લંડનઃ ભારતીય મૂળની યુનિવર્સિટી સ્ટુડન્ટ ગ્રેસ ઓમાલી-કુમાર, તેની મિત્ર બાર્નાબી વેબર અને સ્કૂલ કેરટેકર 65 વર્ષીય ઇયાન કોટ્સની હત્યા માટે દોષી ઠરેલા વાલ્દો કેલોકેનને જેલમાં નહીં મોકલાય. જૂન 2023માં ઇસ્ટ મિડલેન્ડ્સમાં વાલ્દોએ આ ત્રણની હત્યા કરી હતી જેના માટે તેને જેલની સજાને બદલે આજીવન હોસ્પિટલ ઓર્ડરની સજા અપાઇ હતી. કોર્ટે આરોપી પેરાનોઇડ સ્કિઝોફ્રિનિયાથી પીડાતો હોવાના કારણે જેલની સજા ફટકારી નહોતી. આ સજાની સામે કરાયેલી અપીલને કોર્ટે નકારી કાઢી છે.
પીડિત પરિવારોએ જણાવ્યું હતું કે અમારી સાથે ન્યાય થયો નથી. જો સારવાર બાદ વાલ્દો તંદુરસ્ત જણાય તો તેને જેલમાં મોકલી આપવો જોઇએ. એટર્ની જનરલે કોર્ટ ઓફ અપીલને જણાવ્યું હતું કે, વાલ્દોને નાહકની છૂટછાટ અપાઇ છે. તેને જેલની સજા આપવાની પણ જરૂર હતી. પરંતુ લેડી ચીફ જસ્ટિસ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ બેરોનેસ લોર્ડ જસ્ટિસ એડિસ અને મિસ્ટર જસ્ટિસ ગાર્નહામે અપીલને નકારી કાઢી હતી.