લંડનઃ 2023માં નોટિંગહામમાં હુમલા દરમિયાન પોતાની મિત્રને બચાવવાના પ્રયાસમાં જીવ ગુમાવનાર બ્રિટિશ ભારતીય મેડિકલ સ્ટુડન્ટને બહાદૂરી માટેના યુકેના સર્વોચ્ચ નાગરિક સન્માન – ગ્રીન ક્રોસથી સન્માનિત કરવાની માગ કરાઇ છે. 19 વર્ષીય ગ્રેસ ઓમેલી કુમાર તેની મિત્ર બાર્નાબી વેબર સાથે યુનિવર્સિટીમાં પરત ફરી રહી હતી ત્યારે વાલ્ડો કાલોકેન દ્વારા ચાકુ વડે હુમલો કરાયો હતો.
એક અખબારી મુલાકાતમાં ગ્રેસના પિતા ડો. સંજોય કુમારે જણાવ્યું હતું કે, મારી દીકરીએ તેની મિત્રને બચાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. તેણે દર્શાવેલી બહાદૂરી અદ્વિતીય હતી. તેની બહાદૂરી દરેક યુવા માટે ઉદાહરણ સ્વરૂપ છે. બહાદૂરી માટેના ગ્રીન ક્રોસની ભલામણ બ્રિટિશ વડાપ્રધાન દ્વારા કરાય છે. 1940થી અત્યાર સુધીમાં ફક્ત 160 વ્યક્તિઓને આ સન્માન અપાયું છે. ટોરી સાંસદ માર્કો લોન્ઘી અને ડેવિડ મોરિસ સહિતના ઘણા સાંસદો ગ્રેસને આ એવોર્ડથી સન્માનિત કરવાની માગ કરી રહ્યાં છે.