લંડનઃ આખરે સ્કોટેલન્ડ સરકારે ગ્લાસગો ખાતે વર્ષ 2026ની કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હામી ભરી છે. સ્કોટલેન્ડ સરકારે જણાવ્યું હતું કે તે કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટેના ગ્લાસગોની નિવિદાને સમર્થન આપશે પરંતુ આ વખતના રમતોત્સવમાં રમતો પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. અહેવાલો પ્રમાણે 10થી 13 રમતોને જ રમતોત્સવમાં સ્થાન અપાશે. 2022માં બર્મિંગહામ ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં 19 રમતો સામેલ કરાઇ હતી.
આ પહેલાં 2026ની કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટમાં યોજાવાની હતી પરંતુ ગયા વર્ષે વિક્ટોરિયા સ્ટેટે આર્થિક કારણો આગળ ધરીને પીછેહઠ કરી લીધી હતી. ત્યારબાદ સિંગાપોર અને મલેશિયાએ થોડો રસ દાખવ્યો હતો પરંતુ આ યોજના પણ આગળ વધી શકી નહોતી.
જો ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન સફળ રહેશે તો સ્કોટલેન્ડમાં ચોથીવાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. આ પહેલાં 1970 અને 1986માં એડિનબરો ખાતે અને 2014માં ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઇ ચૂક્યું છે.
કોમનવેલ્થ ગેમ્સ અગાઉ બ્રિટિશ શાસન હેઠળ રહેલા દેશોનો દર 4 વર્ષે આયોજિત થતો રમતોત્સવ છે. પરંતુ એશિયન ગેમ્સ જેવી ગેમ્સના આયોજનના કારણે હવે કોમનવેલ્થ ગેમ્સ મહત્વ ગુમાવી રહી છે. આ સતત બીજી ઘટના છે જેમાં અગાઉ નક્કી કરાયેલા યજમાન દેશે રમતોત્સવના આયોજનનો ઇનકાર કરી દીધો હોય.