લંડનઃ 2026માં ગ્લાસગો ખાતે યોજાનારા કોમનવેલ્થ રમતોત્સવ પર આર્થિક સંકટનું ગ્રહણ લાગ્યું છે. કોમનવેલ્થ ગેમ્સના ફંડિંગ મુદ્દે યુકે અને સ્કોટલેન્ડની સરકારો વચ્ચે વિવાદ સર્જાયો છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટે આર્થિક ખર્ચમાં વધારાનું કારણ આપીને રમતોત્સવનું આયોજન કરવાનો ઇનકાર કરી દીધો હતો તેથી ઇવેન્ટ ઓર્ગેનાઇઝર નવા સ્થળની પસંદગી માટે નજર દોડાવી રહ્યાં છે.
રમતોત્સવના મોટાભાગના ખર્ચ ઓર્ગેનાઇઝર પોતે ઉઠાવવાના છે ત્યારે સ્કોટલેન્ડની સરકારે જણાવ્યું છે કે અમે રમતોત્સવ પાછળનો ખર્ચ ઉઠાવી શક્તાં નથી તેથી યુકેની સરકારે તમામ આર્થિક જોખમ પોતાના માથે લેવાં જોઇએ. સ્કોટલેન્ડના હેલ્થ સેક્રેટરી નીલ ગ્રેએ જણાવ્યું હતું કે, રમતોત્સવનો પ્લાન રજૂ કરવાનો સમય વીતી રહ્યો છે પરંતુ અમે કોઇ આર્થિક જોખમ લેવા માગતા નથી. અમે યુકેની સરકાર, કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડ અને ફેડરેશન સાથે આ મુદ્દા પર વાતચીત કરી રહ્યાં છીએ.
તેમણે જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી અમારી સ્પોર્ટિંગ કોમ્યુનિટીને જરૂર લાભ થશે પરંતુ અત્યારે 2014 જેવી સ્થિતિ નથી. આયોજનમાં સંભવિત આર્થિક જોખમ રહેલું છે.
જોકે યુકેની સરકારે આર્થિક જોખમમાં હિસ્સો આપવાની તૈયારી દર્શાવી છે. પરંતુ ગેમ્સના આયોજનનો સંપુર્ણ ખર્ચ ઉઠાવવાનો ઇનકાર કરી દીધો છે. યુકેની સરકારે સ્કોટલેન્ડને કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે 2.3 મિલિયન પાઉન્ડની સહાયની ઓફર આપી છે.