લંડનઃ ભારત સમગ્ર વિશ્વમાં ભારતીય ડાયસ્પોરા સહિત વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ કરતા ભારતીયો માટે ભારતમાં કેટલાક ઉદ્યોગોના માંધાતાઓ સાથે કામ કરવાની અનોખી તક ઓફર કરી રહ્યું છે. ધ ઈન્ડિયા કોર્પોરેટ ઈન્ટર્નશિપ ઈનિશિયેટિવમાં ૨૩ મોટા કોર્પોરેટ્સ સામેલ થયાં છે. આ ઈનિશિયેટિવ ઓવરસીઝ ભારતીય ઓવરસીઝ વિદ્યાર્થીઓને ઉચ્ચ ભારતીય કંપનીઓની વૈશ્વિક કાર્યસંસ્કૃતિના અનુભવ, બહુસાંસ્કૃતિક વાતાવરણમાં કામ કરવા ઉપરાંત, ભારતમાં તેમના મૂળ સાથે જોડાવાની તક પૂરી પાડશે. ડાયસ્પોરા વિદ્યાર્થીઓને પડકારરૂપ પ્રોજેક્ટ્સ થકી પોતાની પ્રોફાઈલ વેલ્યુ વધારવાનું પ્લેટફોર્મ પણ મળશે.
ઈન્ટર્નશિપ ઈનિશિયેટિવમાં એપોલો હોસ્પિટલ્સ, બ્લુ સ્ટાર, ફ્લિપ્કાર્ટ, ફોર્બસ માર્શલ, ગોદરેજ , ઈન્ફોસીસ, કિર્લોસ્કર બ્રધર્સ, તાતા કેમિકલ્સ, તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ, તાતા ઈન્ટરનેશનલ, તાતા ટ્રસ્ટ, ટ્રેન્ટ, વિપ્રો સહિતની કંપનીઓ ટોપ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઓના ભારતીય મૂળના વિદ્યાર્થીઓને ૨થી ૬ મહિનાની ટુંકી મુદતની પેઈડ ઈન્ટર્નશિપ પૂરી પાડશે.
વિદ્યાર્થીઓને એરોડાયનેમિક્સ, ઓટોમોટિવ, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસીસ, હેલ્થકેર, ભારતીય સ્ટાર્ટ-અપ્સ માટે ઈન્ક્યુબેશન સેન્ટર્સ, આઈટી (સોફ્ટવેર અને સર્વિસીસ), મેન્યુફેક્ચરિંગ (હેવી એન્જિનીઅરીંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિ.), પાવર (ડિસ્ટ્રિબ્યુશન એન્ડ સિસ્ટમ્સ), રીટેઈલ અને ઈ-કોમર્સ, સોશિયલ એન્ટરપ્રાઈઝીસ સહિતના વૈવિધ્યપૂર્ણ સેક્ટર્સમાં કામ કરવાનો વિકલ્પ મળશે.
ઈન્ટર્નશિપ ઈનિશિયેટિવનો લાભ લેવા તમારે ભારતની બહાર મેનેજમેન્ટ/ એન્જિનીઅરીંગ/ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સનો અભ્યાસ કરતા ભારતીય મૂળ/ ભારતીય વારસા/ વંશના અને NRI વિદ્યાર્થી હોવું આવશ્યક છે. આ પ્રોગ્રામમાં સ્ટાઈપેન્ડ અને રહેઠાણની સુવિધા પણ છે. ચોક્કસ શરતો અને જોગવાઈ સાથે બેઠકો મર્યાદિત છે અને તેનો આરંભ સમર-૨૦૧૬માં થશે. વધુ માહિતી અથવા અરજી કરવા http://www.oifc.in/india-corporate-internship/about ની મુલાકાત લેવા વિનંતી છે.