લંડનઃ બ્રિટનમાં પણ અમેરિકાના માર્ગે ચાલવાનું વલણ વધ્યું છે. યુવાપેઢી એક જ માસમાં ૧૦ વખત બહારથી મંગાવી ભોજન કરે છે. એટલે કે ઘરે રાંધવાની કડાકૂટ ધીમેધીમે બંધ થઈ રહી છે. ૧૮થી ૩૫ વયજૂથના લાખો લોકો ફાસ્ટફૂડના શોખીન બન્યા છે, જેઓ પાંચ વખત પેક ઘરે લઈ જાય છે. હાલ ૪૮ ટકા લોકો મેદસ્વીતાથી પીડાય છે તેનું મુખ્ય કારણ ફાસ્ટફૂડ છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં બ્રિટનવાસી ફાસ્ટફૂડ કે તૈયાર ભોજનના પેકેટ પાછળ ત્રણ ગણું વધું ખર્ચવા લાગશે. ગયા વર્ષે ૨ બિલિયન પાઉન્ડ ખર્ચ હતો, જે આ વર્ષે વધીને ૭ બિલિયન પાઉન્ડ થયો છે.
અમેરિકામાં અઠવાડિયામાં બે-ત્રણ વખત ઘરે રાંધવાને બદલે બહારથી પાર્સલ પેક મંગાવાય છે. ખાસ કરીને બાળકો, યુવા પેઢીના ભાઈ-બહેનો અચૂક ઘરની બહાર ખાવાપીવાનું પસંદ કરવા લાગ્યા છે. બ્રિટનમાં પણ તેનું અનુકરણ થઈ રહ્યું છે. ૫૫થી વધુ વયના લોકોને પણ ફ્રાઈડ ડીશ, ચિપ્સ, પિત્ઝા સહિત લોકપ્રિય વાનગીઓ ડિલીવરી બોય પાસે મંગાવવાનો ચસ્કો ઉપડ્યો છે.
ફાસ્ટફૂડમાં રહેલાં મીઠું, ખાંડ, હાઈ કેલેરી, ફેટ, તેલ-ઘી, માખણ, વગેરે સ્થૂળતા વધારે છે. યુવાવર્ગમાં કમર વધવાનું કારણ પણ આ જ છે. આ ઉપરાંત, કિશોર વયના બાળકો ઝડપથી યુવાન દેખાય છે. ડાયાબિટીસ જેવા રોગો પેક- પેકેટથી જ થતાં હોવાનું ૭૭ ટકા લોકો માને છે.