લંડનઃ નોર્ધમ્પટનશાયરમાં નવેમ્બરના પ્રારંભમાં મૃત હાલતમાં મળી આવેલી 24 વર્ષીય હર્ષિતા બ્રેલાના મોત માટે પોલીસ તેના પતિ પંકજ લામ્બાને જવાબદાર ગણી રહી છે. લામ્બા હાલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. હર્ષિતાનો મૃતદેહ કારની ડેકીમાંથી મળી આવ્યો હતો. લામ્બા તેના મૃતદેહને કારમાં મૂકીને ઇસ્ટ લંડનના ઇલફોર્ડમાં લઇ આવ્યો હતો અને ત્યારબાદ તે દેશ છોડીને ફરાર થઇ ગયો હોવાની શંકા છે.
નોર્ધમ્પટનશાયરના ચીફ ઇન્સ્પેક્ટર પોલ કેશે જનતાને છેલ્લા એક સપ્તાહમાં કોઇપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ અંગે પોલીસને જાણકારી આપવાની અપીલ કરી છે. પોલીસને હર્ષિતાનો મૃતદેહ ઇલફોર્ડના બ્રિસબેન રોડ પર એક કારમાંથી મળી આવ્યો હતો. પોલીસનું માનવું છે કે હર્ષિતા ઘરેલુ હિંસાનો ભોગ બની રહી હતી.
હર્ષિતાના પાડોશીએ જણાવ્યું હતું કે, મેં બે વાર ઝગડાના અવાજો સાંભળ્યા હતા જેમાં મહિલા ખૂબ જ ડરી ગઇ હોય તેમ લાગતું હતું. હર્ષિતાની પાડોશી કેલી ફિલિપે જણાવ્યું હતું કે, મેં બુધવારે પુરુષ અને મહિલા વચ્ચે ઝગડાના અવાજ સાંભળ્યા હતા. તેઓ અલગ ભાષામાં બોલી રહ્યાં હતાં તેથી મને સમજ પડી નહોતી. પુરુષ ગુસ્સામાં બોલતો હતો અને મહિલા ડરી ગઇ હોય તેમ લાગી રહ્યું હતું.
હર્ષિતાએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી રક્ષણ પ્રાપ્ત કર્યું હતું
હર્ષિતા બ્રેલાએ પતિ લામ્બા વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે લામ્બાને નોટિસ આપીને બ્રેલાને હિંસાની ધમકી અને હેરાનગતિથી સંરક્ષણ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. નોર્ધમ્પટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા લામ્બાને ડોમેસ્ટિક વાયોલન્સ ઓર્ડર જારી કરાયો હતો. જેમાં 28 દિવસ સુધી લામ્બાના બ્રેલા સાથે સંપર્ક કરવા પર રોક લગાવી દીધી હતી. લામ્બાના ઘરમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકાયો હતો.
મને મારી દીકરી માટે ન્યાય જોઇએ છેઃ હર્ષિતાની માતા
બ્રેલાની માતા સુદેશ કુમારીએ દિલ્હીથી બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મને મારી દીકરી માટે ન્યાય જોઇએ છે. બહેન સોનિયા ડબાસે જણાવ્યું હતું કે, પંકજ લામ્બા સાથે એરેન્જ્ડ મેરેજ થયા બાદ એપ્રિલમાં યુકે જવા માટે બ્રેલા ઘણી રોમાંચિત હતી. બ્રેલાના પિતા સતબીરે જણાવ્યું હતું કે, હું ઇચ્છું છું કે મારા જમાઇને સજા થાય અને મારી દીકરીનો મૃતદેહ વતન પરત લાવવા માગુ છું.