ઘાતકી હથિયારો પર પ્રતિબંધ માટે સરકાર રોનન કાંડાના નામે કાયદો ઘડશે

રોનન કાંડાની 2022માં ધારદાર છૂરાથી હત્યા કરાઇ હતી, હત્યારાએ છૂરાની ખરીદી ઓનલાઇન કરી હતી, સરકાર ઓનલાઇન વેચાણ માટે આકરા નિયમો ઘડી કાઢશે

Tuesday 23rd July 2024 12:27 EDT
 
 

લંડનઃ નવી ચૂંટાઇ આવેલી લેબર સરકારે ભયજનક ચાકૂ છરા રાખવા અને વેચાણ પર લગામ કસવા માટે રોનન કાંડાના નામે કાયદો ઘડવાની જાહેરાત કરી છે. રોનનની માતાએ જણાવ્યું હતું કે, મને પહેલીવાર એમ લાગી રહ્યું છે કે મારી રજૂઆતો સરકારના કાન પર પડી છે.

16 વર્ષીય રોનન કાંડાની 2022માં પ્રદજીત વીધાસા અને સુખમન શેરગીલે હત્યા કરી નાખી હતી. વીધાસાએ 3 ધારદાર છરાની ઓનલાઇન ખરીદી કરી હતી. આ બંનેએ ખોટી ઓળખના કારણે રોનનની હત્યા કરી હતી. બંને હુમલાખોરને 2023માં અદાલતે 34 વર્ષ કેદની સજા ફટકારી હતી.

હવે લેબર સરકારે ભયજનક ચાકૂ કે છૂરા રાખવા અને તેના વેચાણ પર લગામ કસવા માટે રોનનના નામ પર એક કાયદો ઘડવાની તૈયારી કરી છે. સરકારે જણાવ્યું હતું કે, બ્રિટનની સડકો પર હિંસાને નિયંત્રિત કરવા માટે આ કાયદો મદદરૂપ થશે. સરકાર એક દાયકામાં નાઇફ ક્રાઇમની સંખ્યાને અડધી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

રોનનની માતા પૂજા કાંડાએ જણાવ્યું હતું કે, કિંગની સ્પીચ સાંભળીને મને પહેલીવાર એમ લાગ્યું કે સરકારે મારી રજૂઆતો પર ધ્યાન આપ્યું છે. મારા દીકરાના મોત માટે ચાકૂ અને છૂરાનું ઓનલાઇન વેચાણ જવાબદાર હતું. અમે અદાલતમાં સુનાવણી દરમિયાન સાંભળ્યું હતું કે, હુમલાખોરે 25 કરતાં વધુ છૂરા ઓનલાઇન ખરીદ્યાં હતાં. ઇન્ટરનેટ પર આ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ હોવાનું જાણીને મને ઘણો આઘાત લાગ્યો હતો. આપણી સડકો સુરક્ષિત નથી તેમાં કોઇ આશ્ચર્ય થવું જોઇએ નહીં. જો સરકારે પહેલાથી ધ્યાન આપ્યું હોત તો કદાચ આજે મારો દીકરો જીવતો હોત.

સરકારે જણાવ્યું હતું કે, રોનન લો અંતર્ગત ભયજનક હથિયારો રાખવા પર પ્રતિબંધ લદાશે અને ઓનલાઇન વેચાણ સખ્ત બનાવવા માટે આઇડીચેક જેવા નિયમો ઘડી કઢાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter