લંડનઃ ડો. ચાઈ પટેલની માલિકીની HC-One કંપનીએ બુપા પાસેથી ૩૦૦ મિલિયન પાઉન્ડમાં ૧૨૨ કેર હોમ્સ ખરીદી લેતા તેમની કંપનીએ યુકેમાં સૌથી મોટા રેસિડેન્શિયલ કેર હોમ માલિકનું સ્થાન હાંસલ કર્યું છે. છ વર્ષ અગાઉ, સધર્ન ક્રોસ હેલ્થકેર કંપની ભાંગી પડ્યાં પછી NHSના પૂર્વ ડોક્ટર (જી.પી.) ચાઈ પટેલે HC-One કંપની સ્થાપી હતી. આ સોદા પછી કંપનીનું ૨૨,૦૦૦ બેડ્સ સાથે આશરે ૩૫૦ કેર હોમ્સમાં વિસ્તરણ થશે. આ સોદો રેગ્યુલેટરી બહાલીને આધારિત રહેશે. એચસી-વન આ પહેલા ત્રીજા ક્રમે હતી. ફોર સીઝન્સ અને બાર્ચેસ્ટર હેલ્થકેરને પછાડી તે હવે પ્રથમ ક્રમે આવી છે. કંપનીએ ગત ત્રણ વર્ષમાં કેર પ્રોવાઈડર્સ મેરિડીયન અને હેલેન મેકઅર્ડેલ કેર પાસેથી કુલ ૫૦ કેર હોમ્સની ખરીદી કરી હતી.
HC-Oneના ચેરમેન ડો. પટેલે બુપા કેર હોમ્સના હસ્તાંતરણને પોતાની ૩૦ વર્ષની કારકીર્દિમાં સીમાચિહ્ન જણાવતા કહ્યું હતું કે,‘અમે નિવાસીઓ અને પરિવારો વિશ્વાસ રાખી શકે અને ભાવિ અનિશ્ચિતતાઓનો સામનો કરી શકે તેવી સંસ્થાનું નિર્માણ કરી રહ્યા છીએ. રેસિડેન્ટ્સ આ ખાસ સર્વિસિસની સીરિઝ દ્વારા સૌથી વધુ ગુણવત્તાયુક્ત, ઉચ્ચ-ગુણવત્તાવાળી કેર મેળવશે અને અમે અમારા સ્ટાફમાં ઈનવેસ્ટ કરવાનું ચાલુ જ રાખીશું.’ આ ઉપરાંત, તેમણે આગામી ૪ વર્ષમાં તમામ કેર હોમ્સને અપગ્રેડ કરવા માટે ૪૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવાની પણ યોજના બનાવી રાખી છે.
કંપનીએ જણાવ્યું હતું કે વૃદ્ધ સારસંભાળના સેક્ટરમાં સૌથી મજબૂત ક્વોલિટી રેકોર્ડ્સ ધરાવનારામાં એક તરીકેનું સ્થાન હાંસલ કરવાનું અમને ગૌરવ છે. અમારાં કેર હોમ્સ શ્રેષ્ઠતમ બની રહે તે માટે CQC, અમારા સ્થાનિક ઓથોરિટી પાર્ટનર્સ અને સ્થાનિક હેલ્થકેર પ્રોફેશનલ્સ સાથે ગાઢ તાલમેલ રાખવાની ચોક્સાઈ રાખીશું.’
આ સોદા માટે સ્ટેપસ્ટોન રિયલ એસ્ટેટ અને સાફાનડ દ્વારા ઈક્વિટીની તથા ડોઈચ બેન્ક અને એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ દ્વારા ડેટ ફન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કહેવાય છે કે એચસી-વનના માથે ૨૮૭ મિલિયન પાઉન્ડનું દેવું હતું પરંતુ, બુપાના ૨૦૦ કેર હોમ્સ ખરીદવાથી એચસી-વનનું દેવું ૬૦૦ મિલિયન પાઉન્ડને પાર કરી જશે તેવી ચેતવણી કેટલાક ફાઈનાન્સિયલ નિષ્ણાતોએ આ સોદો ફાઈનલ થયા પહેલા ઉચ્ચારી છે. જો કે, ડો. પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દેવા કરતા તેમની મિલકતોની કિંમત બમણી છે. બીજી તરફ, કેર ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન ગ્રીને જણાવ્યું હતું કે, કેર હોમ્સના નિવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી. આ એક સારો સોદો છે. એચસી-વન મોટું સંગઠન છે જે ક્વોલિટી કેરમાં ઈનવેસ્ટ કરવા સાથે પોતાની સર્વિસિસ જાળવી રાખે છે.
જ્યારે જ્યારે ભારતીય કે અન્ય એશિયાઈ વ્યક્તિ ખૂબ મોટા સોદા કરે છે ત્યારે કેટલાક સમાચાર માધ્યમો અવળચંડાઈ કરતા જોવામાં આવતાં હોય છે. કેટલાક અહેવાલો અનુસાર લેબર પાર્ટીના એક વેળાના દાતા ડો. ચાઈ પટેલનું નામ ૨૦૦૫માં તત્કાલીન લેબર સરકારના કેશ-ફોર-પીઅરેજ કૌભાંડમાં ખરડાયું હતું.
કેર હોમ્સ વૃદ્ધ, અશક્ત, લાંબા- ટૂંકા સમયની આરોગ્યની બીમારીઓ ધરાવતા અથવા વ્યસની જેવા અનેક લોકો માટે રહેવાની સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત કેર હોમ્સ નર્સિંગની સંભાળ પણ પૂરી પાડે છે. કેર હોમ કોઈ વૃદ્ધાશ્રમ નથી પરંતુ માવજત કેન્દ્ર છે, અહીં રહેવા આવતા લોકોને ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર આપે એવી સવલતો અપાય છે. જરૂરી સવલતો તથા શોપિંગ, સોશિયલ એક્ટિવિટી તેમજ કોફી શોપ્સ સહિતની સુવિધાઓ પૂરી પાડે છે. જેમને નર્સિંગ કેરની જરૂરિયાત છે તેમની સંભાળ લેવાની બધી જ સર્વિસ પૂરી પાડવામાં આવે છે. કહેવાની જરૂર નથી કે તે બદલ પ્રતિ સપ્તાહે દરેક ગેસ્ટ પાસે માતબર રકમ લેવાય છે.