લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક અને પત્ની અક્ષતા મૂર્તિની સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં એન્ટ્રી થઈ છે. સુનાક અને અક્ષતા મૂર્તિ 730 મિલિયન પાઉન્ડ (911 મિલિયન ડોલર, 861 મિલિયન યુરોઝ)ની સંયુક્ત સંપત્તિ સાથે રિચ લિસ્ટમાં 222મા ક્રમે છે.યુકેમાં 34 વર્ષના ઈતિહાસમાં કોઈ મોખરાનો રાજકારણી રિચ લિસ્ટમાં આવ્યો હોય તેવું પ્રથમ વખત થયું છે. જોકે, સૌથી ધનવાન રાજકારણી તરીકે તેમને આ સ્થાન પત્ની અક્ષતા મૂર્તિના કારણે પ્રાપ્ત થયું છે.
બ્રિટનમાં જન્મેલા સુનાકે ભારતમાં જન્મેલી અક્ષતા સાથે લગ્ન કર્યાં છે. અક્ષતા મહાકાય ભારતીય IT કંપની ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી છે. ભારતીય મૂળના 42 વર્ષીય હેજ ફંડ મેનેજરે 2015માં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા પછી નાણાકીય કારકિર્દી છોડી દીધી હતી.
અક્ષતા મૂર્તિ નોન-ડોમ સ્ટેટ્સ ધરાવે છે અને તેનું યુકેની બહાર કાયમી મકાન છે, તેથી તેણે ફક્ત આ દેશમાંથી થતી કમાણી પર જ ટેક્સ ચૂકવવો પડે. આ ઉપરાંત, અક્ષતા મૂર્તિ પોતે ઈન્ફોસિસમાં તેના નામે 0.93 ટકા હિસ્સો ધરાવે છે. તેનું મૂલ્ય 690 મિલિયન પાઉન્ડ થાય છે. જેના પર છેલ્લા સાડા સાત વર્ષ દરમિયાન 54 મિલિયન પાઉન્ડ તો ડિવિડન્ડ જ મળ્યું છે. નોન-ડોમ સ્ટેટ્સનો વિવાદ થયા પછી અક્ષતાએ હવે યુકે બહારની આવક પર પણ યુકેમાં ટેક્સ ભરવાની જાહેરાત કરી દીધી છે.