લંડનઃ બર્મિંગહામની ચાર વર્ષની બ્રિટિશ શીખ બાળા દયાલ કૌરે ૧૪૫નો આઈક્યુ (IQ – ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ) હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તાવાળા બાળકોની મેન્સા મેમ્બર્સ ક્લબ (Mensa Members Club) તેને સામેલ કરવામાં આવી છે. દયાલ કૌરે નાની વયથી જ પોતાની અસામાન્ય બૌદ્ધિક ક્ષમતાનું પ્રદર્શન કરતા માત્ર ૧૪ મહિનાની વયે ઈંગ્લિશ આલ્ફાબેટના તમામ અક્ષરો ઓળખવાં માંડ્યાં હતાં. દયાલનું સ્વપ્ન અવકાશયાત્રી બનવા ઉપરાંત, અશ્વોના વિશાલ તબેલાના માલિક બનવાનું છે.
દયાલ કૌરે મેન્સા ટેસ્ટમાં સામેલ થવા માટે ઉત્સુક્તા વ્યક્ત કરી હતી અને કોરોના વાઈરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનથી તેણે ગત ઓક્ટોબરમાં ઓનલાઇન માધ્યમથી ટેસ્ટ આપ્યો હતો. આ ટેસ્ટમાં તેણે અસાધારણ ૧૪૫ આઈક્યૂ સ્કોર હાંસલ કર્યો હતો. આ સાથે કુદરતના અસાધારણ વરદાનરુપ બૌદ્ધિક પ્રતિભા ધરાવતી બ્રિટનની એક ટકાની ટોચની વસ્તીમાં તેણે સ્થાન મેળવી લીધું છે.
બ્રિટન મેન્સાના ચીફ એક્ઝિક્યુટિવ જૉન સ્ટીવનેજે જણાવ્યું હતું કે, ‘અમે લગભગ ૨,૦૦૦ જૂનિયર અને કિશોર સભ્યોના સમુદાયમાં પ્રતિભાવંત દયાલ કૌરનું મેન્સામાં સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ. તેનો પરિવાર સપોર્ટિવ પેરન્ટ્સ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે અને અમને આશા છે કે મિસ દયાલ જેમ મોટી થતી જશે તેમ ઘણા આજીવન મિત્રો બનાવશે અને મેન્સા દ્વારા ઓફર કરાતી શિક્ષણ અને નેટવર્ક તકોનો અનુભવ મેળવશે.’
દયાલ કૌરના પિતા અને હેલ્થ, વેલ-બીઈંગ એને પેસ્ટોરલ લીડના શિક્ષક સરબજીત સિંહે સ્થાનિક નિષ્ણાતોને દયાલ કૌર વિશિષ્ટ પ્રતિભા હોવાનું અને તેને એજ્યુકેશન સિસ્ટમમાં ગિફ્ટેડ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામની સુવિધા મળવી જોઈએ તેમ સમજાવવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા. તેમણે કહ્યું કે, દયાલ પોતાની ઉંમર કરતાં ઘણી વધારે મેઘાવી હોવાનું સત્તાવારપણે સાબિત થઈ ગયું છે. પરિવાર તરીકે અમારી બાળામાં વિશેષ પ્રતિભા હોવાનું અનુભવવું સ્વાભાવિક છે પરંતુ, હવે તે લાખોમાં એક હોવાનું વાસ્તવિક સબૂત છે.’
દયાલ એક વર્ષની નાની બહેન કલ્યાણ, પિતા સરબજિત સિંહ અને સોલિસિટર માતા રાજવિન્દર કૌર સાથે પોતાની નવી સિદ્ધિની ઉજવણી કરી રહી છે. ભારતના પંજાબના હોશિયારપુરમાં પારિવારિક મૂળિયા ધરાવતા તેમજ બર્મિંગહામમાં જન્મેલા અને ઉછરેલા ગર્વીલા પિતાએ કહ્યું હતું કે ‘અમે શીખ ઈતિહાસ વાંચી રહ્યા હોઈ ત્યારે પણ દયાલ ઉત્સાહી જણાય છે. તેને બંડા સિંહ બહાદુર અને ગુરુ ગોવિંદસિંહ જેવા આદર્શ પ્રતીકો તરફ ભારે દિલચસ્પી જણાય છે. હજુ તો તે ભારત જઈ શકી નથી પરંતુ, લોકડાઉન પછી પરિવારસહ ત્યાં જવાની અમને ઈચ્છા છે.’