લંડનઃ બ્રિટને ૧૫ ડિસેમ્બરે નવી નેશનલ સાઈબર સ્ટ્રેટેજી જાહેર કરી છે. સાઇબર હુમલાની ભીતિ ધરાવતું બ્રિટન માત્ર સાયબર સિક્યુરિટી નહિ પરંતુ, સાયબર પાવર બનવા માગે છે. ચીન અને રશિયાએ ‘સ્વતંત્ર અને ખુલ્લા ઇન્ટરનેટ’ સામે ખતરો પેદા કર્યો હોવાના આરોપ બ્રિટને લગાવ્યા છે. બ્રિટિશ સરકારે રાષ્ટ્રીય સાઇબર કાર્યક્રમ તૈયાર કરવા ૨.૬ બિલિયન પાઉન્ડ ખર્ચવા નિર્ણય લીધો છે.
બ્રિટને આ સંદર્ભે તૈયાર કરેલા દસ્તાવેજમાં વિરોધી દેશો તરફથી થનારા સાઇબર હુમલાના ખતરાની નોંધ લીધી છે. બ્રિટિશ નેશનલ સાઇબર સિક્યુરિટી સેન્ટરના આ દસ્તાવેજમાં ચેતવણી અપાઈ છે કે સાઇબર યુદ્ધની વધી રહેલી સંભાવનાઓ વચ્ચે ઇન્ટરનેટ પર સિદ્ધાંતોનો સંઘર્ષ જોર પકડી રહ્યો છે. એક તરફ સ્વતંત્ર સમાજો ધરાવતા દેશો છે તો બીજી તરફ ચીન અને રશિયા જેવા હરીફ દેશો છે જેઓ, સાઇબરસ્પેસ પર સરકારી નિયંત્રણ વધારી રહ્યા છે. આ સંઘર્ષથી સ્વતંત્ર અને ખુલ્લા ઇન્ટરનેટ પર દબાણ વધશે. આ સંજોગોમાં પશ્ચિમના દેશો સાઇબર સ્પેસ (ઇન્ટરનેટ)ને સંચાલિત કરવાની નિયમાવલિ તૈયાર કરી રહ્યા છે.
ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ બ્રિટન આ દસ્તાવેજ કેબિનેટ પ્રધાન સ્ટીવ બર્કલેની દેખરેખમાં તૈયાર કરી રહ્યું છે. બ્રિટનના સાઇબર સંબંધી નિષ્ણાત જ્ઞાનને વિકસાવીને સાઇબર હુમલા સંબંધી આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતા હાંસલ કરવા આ દસ્તાવેજ તૈયાર થઇ રહ્યો છે.