લંડનઃ જો ચીન તાઈવાનની ઘેરાબંધી કરી લે તો ગણતરીના સપ્તાહોમાં બ્રિટિશ શોપ્સની અભરાઈઓ ખાલી થઈ જાય અને કારના શો રૂમ્સમાં ચકલાં પણ ન ફરકે તેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. વિશ્વનું અર્થતંત્ર આ ટાપુ રાષ્ટ્ર પર ભારે આધાર રાખે છે કારણકે વિશ્વના સેમીકન્ડક્ટર્સનાં 60 ટકાથી વધુ અને સૌથી અદ્યતન કોમ્પ્યુટર ચીપ્સના 90 ટકા જેટલું ઉત્પાદન તાઈવાન દ્વારા થાય છે. તાઈવાનની ઘેરાબંધી થાય તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વભરમાં મંદીના ઓળાં પથરાઈ જાય.
યુકે અને યુરોપ માટે તેના પરિણામો વધુ ગંભીર બની રહે તેમજઈલેક્ટ્રોનિક્સ, અને કેમિકલ્સથી માંડી ટ્રેઈનર્સ, વસ્ત્રો અને ઘરવખરી સામાન સહિત અનેક માલસામાન, કોમ્પોનન્ટ્સ અને સાધનોની ભારે અછત સર્જાઈ શકે છે. રહોડિયમ ગ્રૂપ થિન્ક ટેન્ક અનુસાર તાઈવાન મુદ્દે સંઘર્ષના કારણે ગ્લોબલ ઈકોનોમીને 2.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થઈ શકે જ્યારે બ્લૂમબર્ગ ઈકોનોમિક્સ દ્વારા આ આંકડો 10 ટ્રિલિયન ડોલર જેટલો મૂકાયો છે.