લંડનઃ ગેરકાયદે ચાઈનીઝ માલસામાનનો પ્રવાહ યુરોપિયન બ્લેક માર્કેટ્સમાં ઠાલવવા દેવાની બેદરકારીપૂર્ણ છૂટ ક્રિમિનલ ગેંગ્સને આપવા માટે બ્રિટિશ સરકારને ૨ બિલિયન યુરો (૧.૭ બિલિયન પાઉન્ડ)ના દંડનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ઈયુના એન્ટિ-ફ્રોડ તપાસકારોએ જણાવ્યું છે. યુરોપિયન કમિશન દ્વારા દંડનો નિર્ણય લેવામાં આવનાર છે.
બનાવટી ઈનવોઈસના ઉપયોગ અને ચીનથી આયાત કરાતા વસ્ત્રો અને પગરખાંના મૂલ્ય વિશે ખોટા ક્લેઈમ્સ કરનારી ક્રિમિનલ ગેંગ્સ પર તૂટી પડવામાં બ્રિટિશ કસ્ટમ અધિકારીઓ નિષ્ફળ જવાનાં કારણે ઈયુને ૧.૯૮ બિલિયન યુરોની કસ્ટમ ડ્યૂટી ગુમાવવી પડી હોવાનો આક્ષેપ યુરોપિયન એન્ટિ-ફ્રોડ ઓફિસ દ્વારા કરવામાં આવ્યો છે. આ રકમ બ્રિટને ઈયુ બજેટમાં ચૂકવવી પડશે તેમ એન્ટિ-ફ્રોડ ઓફિસે જણાવ્યું છે.
બ્રિટિશ પોર્ટ્સ પર આયાતના હેન્ડલિંગની નિષ્ફળતાના કારણે ફ્રાન્સ, જર્મની, સ્પેન અને ઈટાલીને ૨૦૧૩થી ૨૦૧૬ના ગાળામાં VAT રેવન્યુમાં સંયુક્ત ૩.૨ બિલિયન યુરો ગુમાવવા પડ્યાં હોવાનું કહેવાયું છે. યુકે અને યુરોપ ખંડ વચ્ચે ઈયુ છોડવાની વાટાઘાટો શરૂ થવાની છે ત્યારે બ્રેક્ઝિટના અંદાજે ૬૦ બિલિયન યુરો બિલના મુદ્દે વિવાદ છેડાયો છે. આવા સમયે ૨ બિલિયન યુરોના દંડનો મુદ્દો વધુ કડવાશ લાવી શકે છે.