ચૂંટણી ચકરાવો

Tuesday 11th June 2024 12:08 EDT
 

નાઇજલ ફરાજ પર સપ્તાહમાં બે વાર હુમલા કરાયા

લંડનઃ એસેક્સમાં ચૂંટણી પ્રચારના પ્રારંભ દરમિયાન રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજ પર એક યુવતી દ્વારા મિલ્કશેક ફેંકવામાં આવતાં હડકંપ મચી ગયો હતો. ફરાજ ક્લેકટન ઓન સી વિસ્તારમાં આવેલા પબમાંથી વિદાય લઇ રહ્યા હતા ત્યારે અચાનક આવેલી યુવતીએ તેમના ચહેરા પર મિલ્કશેક ફેંક્યો હતો અને ગ્લાસનો ઘા કર્યો હતો. મંગળવારે ફરાજ સાઉથ યોર્કશાયરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતાં ત્યારે તેમના પર કેટલીક ચીજવસ્તુઓ ફેંકવામાં આવી હતી. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

ફરાજને સાથે લઇ ચાલવા સુએલા બ્રેવરમેનનું ટોરીઝને આહવાન

લંડનઃ પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને રિફોર્મ યુકેના નાઇજલ ફરાજનું જાહેરમાં સમર્થન કરતાં કન્ઝર્વેટિવ પાર્ટીને ફરાજ અને તેમના અભિયાનને સ્વીકારી લેવાની અપીલ કરી છે. બ્રેવરમેને બ્રિટિશ રાજનીતિમાં જમણેરી વિચારધારા ધરાવતા તમામ તબકાઓને એકજૂથ થવાનું આહવાન કર્યું છે. બ્રેવરમેન માને છે કે બંને પાર્ટી સંખ્યાબંધ મુદ્દા પર સમાન વિચારધારા ધરાવે છે. બંને પાર્ટીની વિચારધારામાં ઝાઝો તફાવત નથી ત્યારે બંને પાર્ટી એકજૂથ થાય તો સ્થિતિ મજબૂત બનાવી શકાય. જોકે નાઇજલ ફરાજ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે કોઇપણ પ્રકારની સમજૂતિનો ઇનકાર કરી ચૂક્યા છે.

1.9 મિલિયન કરતાં વધુ મતદારો યોગ્ય ફોટો ઓળખપત્ર ધરાવતા નથી

લંડનઃ એક રિસર્ચ પ્રમાણે સંસદની ચૂંટણીમાં મતદાન માટે ફરજિયાત એવું ફોટો ઓળખપત્ર ન ધરાવતા મતદારોની સંખ્યા 1.9 મિલિયન કરતાં વધુ છે. આ આંકડો કુલ નોંધાયેલા મતદારોના 4 ટકા જેટલો છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે યોગ્ય ફોટો ઓળખપત્ર ન ધરાવતા મતદારોની સંખ્યા કેટલાક વિસ્તારોમાં ઘણી મોટી છે.

2024ની ચૂંટણીમાં રેકોર્ડ 4500 કરતાં વધુ ઉમેદવાર મેદાનમાં

લંડનઃ 4 જુલાઇ 2024ના રોજ યોજાનારી સંસદની ચૂંટણીમાં આ વખતે વિક્રમજનક ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે. સમગ્ર ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડની 650 બેઠકો પર 4500 કરતાં વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જે દર્શાવે છે કે 2019ની ચૂંટણી કરતાં ઉમેદવારોની સંખ્યામાં 35.7 ટકાનો વધારો નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter