સ્લાઉમાં ટોરી ઉમેદવાર નંદા સામે મુવ્વાલાનો બળવો, અપક્ષ ઉમેદવારી કરશે
લંડનઃ સ્લાઉ બરો કાઉન્સિલના કાઉન્સિલર ચંદ્રા મુવ્વાલાએ સંસદની ચૂંટણી લડવા માટે કન્ઝર્વેટિવ પાર્ટી સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ સ્લાઉ બેઠક માટે મોની નંદાની પસંદગી કરતાં મુવ્વાલા અત્યંત નારાજ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે હંમેશા અમારા મતવિસ્તારમાં સ્થાનિક ઉમેદવાર ઇચ્છતા હતા. સ્થાનિક એસોસિએશને સ્થાનિક ઉમેદવારની પસંદગી પણ કરી હતી. હું તે નહોતો પરંતુ પાર્ટીએ અમારી પસંદગીના ઉમેદવારના સ્થાને બાહરી ઉમેદવાર અમારા પર થોપી દીધો છે. મોની નંદા પેપર કેન્ડિડેટ છે. તે જીતી શકે તેમ નથી. પાર્ટીએ સ્થાનિક ઉમેદવારની પસંદગી કરી હોત તો તેના વિજયની સંભાવનાઓ વધી ગઇ હોત.
ગ્લાસગોના ભારતીય મૂળના ઉમેદવાર પર નફરત ફેલાવવાના આરોપ
લંડનઃ સ્કોટલેન્ડની ચૂંટણીઓમાં ગ્લાસગોમાંથી ઉમેદવારી કરી રહેલા ભારતીય મૂળના આલ્બા પાર્ટીના ધ્રુવ કુમારની સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટના કારણે મોટો વિવાદ સર્જાયો છે. સ્કોટિશ ગ્રીન્સ પાર્ટીએ કુમાર પર સ્કોટલેન્ડમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવવાના આરોપ મૂક્યા છે. સ્કોટિશ પોલીસ દ્વારા ૮મી જૂનના રોજ નોંધાયેલી ફરિયાદની તપાસ કરવામાં આવી હતી. જોકે પોલીસે આ કેસમાં કોઇ અપરાધ થયાનો ઇનકાર કર્યો હતો. કુમારે પણ તેમના પર મૂકાઇ રહેલા આરોપોને નકારી કાઢ્યાં હતાં.
સુનાકને તેમની રિચમન્ડ સંસદીય બેઠક જીતવાના પણ ફાં ફાં?
લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક તેમની સંસદીય બેઠક હારી જાય તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે. સુનાકના મત વિસ્તારના 10માંથી 4 મતદારોએ જણાવ્યું હતું કે અમે ટોરી પાર્ટીને હરાવવા માટે વ્યૂહાત્મક રીતે મતદાન કરવા તૈયારી કરી લીધી છે. જો સુનાક પરાજિત થશે તો સંસદની ચૂંટણીમાં પરાજિત થનારા તેઓ પ્રથમ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર બની જશે. રિચમન્ડની બેઠક પર સુનાક તેમના લેબર પ્રતિસ્પર્ધી પર ફક્ત 7 ટકા જેવી નજીવી સરસાઇ ધરાવે છે. જો 11.4 ટકા મતદાર લિબરલ ડેમોક્રેટિક અને 4.5 ટકા મતદાર લેબર પાર્ટીની તરફેણમાં મતદાન કરશે તો સુનાક પરાજિત થઇ શકે છે.
ઓપિનિયન પોલમાં રિફોર્મ યુકેએ કન્ઝર્વેટિવ પાર્ટીને આપી પછડાટ
લંડનઃ તાજેતરમાં હાથ ધરાયેલા ઓપિનિયન પોલમાં નાઇજલ ફરાજની રિફોર્મ યુકે પાર્ટીએ વડાપ્રધાન રિશી સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીને લોકપ્રિયતાના મામલામાં પાછળ ધકેલી દીધી છે. યુગવ દ્વારા હાથ ધરાયેલા ઓપિનિયન પોલમાં 19 ટકા મતદારોએ રિફોર્મ યુકેનું સમર્થન કર્યું હતું જ્યારે 18 ટકા મતદારોએ કન્ઝર્વેટિવ પાર્ટી અને 37 ટકા મતદારોએ લેબર પાર્ટીનું સમર્થન કર્યું હતું. નાઇજલ ફરાજ રાજનીતિમાં સક્રિય થયા અને રિફોર્મ યુકેનું નેતૃત્વ સંભાળ્યું ત્યારબાદ પાર્ટીની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
લેબરને પરાજિત કરવા ડાબેરી એક્ટિવિસ્ટોને સક્રિય કરતા જેમ્સ કોર્બિન
લંડનઃ લેબર પાર્ટીને પરાજિત કરવા જેરેમી કોર્બિન વધુ સ્વયંસેવકોને નિયુક્ત કરી રહ્યાં છે. પૂર્વ લેબર નેતા માને છે કે લેબર પાર્ટી સાથે તેમની ગળાકાપ હરિફાઇ ચાલી રહી છે. જો તેઓ તેમના નોર્થ લંડનના મતવિસ્તાર ઇસલિન્ગટન નોર્થમાં 400 એક્ટિવિસ્ટ પ્રતિ દિવસને સક્રિય કરશે તો તેઓ લેબરને પરાજિત કરી શકશે. પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જારી કરતાં કેર સ્ટાર્મરે આરોપ મૂક્યો હતો કે 2019માં કોર્બિનના નેતૃત્વમાં લેબરનો પરાજય થશે તે હું જાણતો હતો.
આખરે બોરિસ જ્હોન્સન ચૂંટણી પ્રચારમાં સામેલ થયાં પરંતુ સુનાક વિરોધી માટે
લંડનઃ આખરે પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ચૂંટણી પ્રચારમાં સામેલ થયાં છે પરંતુ તેઓ રિશી સુનાકનો વિરોધ કરનારા પૂર્વ લેવલિંગ અપ મિનિસ્ટર સર સાયમન ક્લાર્ક માટે પ્રચાર કરી રહ્યાં છે. જ્હોન્સન અને લિઝ ટ્રસની સરકારોમાં મંત્રી રહી ચૂકેલા સાયમન ક્લાર્કે જાન્યુઆરીમાં રિશી સુનાકના રાજીનામાની માગ કરતા ચેતવણી આપી હતી કે જો સુનાક વડાપ્રધાન પદ પર રહેશે તો પાર્ટીનો કારમો પરાજય થશે.
વિદેશમાં વસતા બે લાખથી ઓછા બ્રિટિશરે મતદાન માટે અરજી કરી
લંડનઃ ૧૫ વર્ષ કરતાં વધુ સમયથી વિદેશમાં વસતા હોય તેવા બ્રિટિશરોની સંખ્યા અંદાજિત ૩૫ લાખ છે. જાન્યુઆરી મહિનામાં જ સરકારે કાયદામાં બદલાવ કરીને તેમને ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર આપ્યો છે તેમ છતાં અત્યાર સુધીમાં બે લાખ કરતાં ઓછા બ્રિટિશ મતદારોએ મતદાન માટે અરજી કરી છે.