લંડનઃ બ્રિટનની સંસદની ચૂંટણીનું ગમે તે પરિણામ આવે, લેબર પાર્ટી કે કન્ઝર્વેટિવ કોઇપણ સત્તામાં આવે પરંતુ ભારત સાથેનો મુક્ત વેપાર કરાર થઇને જ રહેશે. ભારત સાથેના મુક્ત વેપાર કરાર મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટી અને વડાપ્રધાન રિશી સુનાકનું વલણ અત્યાર સુધી સ્પષ્ટ જ રહ્યું છે. હવે લેબર પાર્ટીએ પણ તેનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.
લેબર પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ ભારત સાથેના મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર પર મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં નવી દિલ્હી અને લંડન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે યુકેમાં કન્ઝર્વેટિવ પાર્ટી 2010થી સત્તામાં હોવા છતાં તેણે ભારત સાથેના સંબંધો પર અત્યાર સુધી ઠાલાં વચનો જ આપ્યાં છે અને યોગ્ય પરિણામ હાંસલ કર્યા નથી.
લેમીએ જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં ઘણી દીવાળી આવી અને જતી રહી છે. વેપાર કરાર ન થવાના કારણે ઘણી કંપનીઓ રાહ જોઇ રહી છે. ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને મારો સંદેશો છે કે લેબર પાર્ટી મુક્ત વેપાર કરવા માટે તત્પર છે.
લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તે બ્રિટન અને ભારત વચ્ચેના મુક્ત વેપાર કરાર પર ચૂંટણીના પરિણામ આવી જાય ત્યારબાદ હસ્તાક્ષર થવાની સંભાવના છે. અત્યાર સુધીમાં બંને દેશ વચ્ચે મંત્રણાના 14 રાઉન્ડ યોજાઇ ચૂક્યા છે.
લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમ ખાતે બોલતાં લેમીએ જણાવ્યું હતું કે, આપણે ભારત સાથેના સંબંધો નવેસરથી શરૂ કરવાની જરૂર છે.