લંડનઃ બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે નરેન્દ્ર મોદીને સતત ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બનવા અને ચૂંટણીમાં પ્રાપ્ત કરેલા વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા. સુનાકે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બ્રિટન અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. આગામી દિવસોમાં ઇટાલી ખાતે યોજાનારી જી-7 શિખર બેઠક પહેલાં એકબીજાના સંપર્કમાં રહેવા બંને નેતા સહમત થયાં હતાં. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારતના વડાપ્રધાનને જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
રિશી સુનાકે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મળેલા વિજય માટે અભિનંદન આપવા મેં નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ભારત અને બ્રિટન વચ્ચેની મિત્રતા ગાઢ છે અને તે મજબૂત બનતી રહેશે.