લંડનઃ 2024ની સંસદની ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ એકવીસમી સદીનો સૌથી ભવ્ય દેખાવ કર્યો છે. એડ ડેવીના નેતૃત્વ હેઠળની લિબરલ ડેમોક્રેટ પાર્ટીને 72 બેઠકો પ્રાપ્ત થઇ છે જે 2019ની સરખામણીમાં 60 બેઠકનો ફાયદો દર્શાવે છે. એક્ઝિટ પોલમાં વર્તારો અપાયો હતો કે લિબરલ ડેમોક્રેટને 61 બેઠક મળી શકે છે પરંતુ તે 72નો આંક પણ વટાવી ગઇ છે.
લેબર પાર્ટી તેના પ્રચંડ વિજયને કારણે હેડલાઇનમાં ચમકી રહી હોવા છતાં આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો અપસેટ લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ સર્જ્યો છે. સોશિયલ મીડિયામાં એડ ડેવીએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટી આ સદીના સૌથી ભવ્ય પરિણામ હાંસલ કરવા જઇ રહી છે. હેલ્થકેરને કેન્દ્રમાં રાખીને અમે ચલાવેલા હકારાત્મક અભિયાને આ પરિણામ આપ્યું છે. હું અમને સમર્થન આપનારા લાખો મતદારોનો આભારી છું. તેમણે દેશ માટે જરૂરી બદલાવ સાકાર કર્યો છે.
1988માં રચાયેલી લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ 2005માં 62 બેઠક જીતી હતી જે તેનો આ પહેલાંનો શ્રેષ્ઠ દેખાવ હતો. રિશી સુનાકના સંખ્યાબંધ મંત્રીઓના પરાજયમાં લિબરલ ડેમોક્રેટે સીધો ભાગ ભજવ્યો હતો જેમાં એજ્યુકેશન સેક્રેટરી જિલિયન કીગન, જસ્ટિસ સેક્રેટરી એલેક્સ ચાક, કલ્ચર સેક્રેટરી લ્યૂસી ફ્રેઝર, સાયન્સ સેક્રેટરી મિચેલ ડોનેલેનનો સમાવેશ થાય છે. ચાન્સેલર જેરેમી હન્ટ પણ લિબરલ ડેમોક્રેટ ઉમેદવાર સામે ફક્ત 891 મતથી જીત્યાં હતાં.
ગ્રીન પાર્ટીનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ, 4 બેઠકો પર વિજય
ગ્રીન પાર્ટીને 4 બેઠક પર વિજય હાંસલ થતાં પાર્ટીએ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા હાંસલ કરી છે. આ પહેલાં ગ્રીન પાર્ટી ફક્ત ઇસ્ટ સસેક્સ બેઠક પર જ વિજેતા થતી હતી પરંતુ આ ચૂંટણીમાં તેણે આ બેઠક જાળવી રાખવાની સાથે બ્રિસ્ટોલ સેન્ટ્રલ, વેવની વેલી અને નોર્થ હીયરફોર્ડશાયરની બેઠક પર પણ વિજય હાંસલ કર્યો છે. બ્રિસ્ટોલ સેન્ટ્રલમાં કાર્લા ડેનયર સૌપ્રથમ ગ્રીન સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યાં છે. ગ્રીન પાર્ટીને આ વખતની ચૂંટણીમાં 7 ટકા કરતાં વધુ મત હાંસલ થયાં છે જે તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ છે.