તાજેતરમાં બિઝનેસમેન ભીખુભાઈ અને વિજયભાઈ પટેલ સામે આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતા તેમજ જવાબદાર પત્રકારત્વમાં અગ્રેસર પબ્લિકેશન ‘ધ ટાઇમ્સ’ અને ‘ધ ડેઇલી મેઇલ’માં NHS ઔષધોની કિંમતમાં કથિત ભાવવધારા સંબંધે કરાયેલા પ્રહારોથી પ્રસિદ્ધિ આપવા જે પ્રકારની રીતિનીતિ અપનાવાઈ છે. તેનાથી ગંભીર ચિંતા ઊભી થાય છે. કમનસીબે અને કદાચ રહસ્યમય રીતે આ વાતની સાથોસાથ ભીખુભાઈ અને વિજયભાઈ પટેલની પ્રતિષ્ઠાને જાહેરમાં ખરડવાનો ખુલ્લો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈને પણ આશ્ચર્ય થયા વિના રહેશે નહીં કે સનસનાટી મચાવવાની નિરંકુશ માનસિકતાથી આવું થઈ રહ્યું છે.
આ વાત કે મુદ્દો બ્રાન્ડેડ મેડિસિન્સની ખરીદી તેમને જેનરીક ડ્રગ્સ તરીકે વેચવામાં ભીખુભાઈ અને વિજયભાઈ પટેલ દ્વારા ૨૦૧૩માં સ્થપાયેલી કંપની એટનાસ પૂરતી સીમિત રહેવા જોઈતા હતા. આ પ્રક્રિયામાં NHS પ્રાઇસીંગ પોલિસીમાં નફાના માર્જીન પર મર્યાદા સાથેની ડ્રગ્સને સી કેટેગરીમાંથી ખસેડી એ કેટેગરીમાં મૂકવાની વાત આવે છે જ્યાં કંપની પોતાની આગવી કિંમતો લગાવી શકે છે. એવા આક્ષેપો થયા છે કે સંખ્યાબંધ કંપનીઓ દ્વારા કિંમતોને ગેરવાજબી સ્તર સુધી વધારવામાં આવી હતી. જેના પરિણામે NHSને મોટાપાયે થયેલી ખોટની તપાસ સત્તાવાળાઓ દ્વારા કરાઈ રહી છે. એટનાસ દ્વારા જણાવાયું છે કે તેના બિઝનેસ બાબત તપાસ થઈ હોવાની જાણકારી નથી. તેમજ તેણે નોંધપાત્ર અપફ્રન્ટ કોસ્ટથી દવાઓ બનાવવાના અધિકારો મેળવ્યા છે અને તે પછી આ દવાઓ છેલ્લામાં છેલ્લા નિયમનકારી તબીબી અને ટેકનીકલ સ્ટાન્ડર્ડને સુસંગત રહે તેની ચોકસાઈ માટે નોંધપાત્ર નાણા પણ ખર્ચે છે. ચોક્કસપણે આ તપાસો તેના માર્ગે ચાલશે અને પૂર્ણ થયા પછી તેના તારણો જાહેરમાં મૂકાશે.
જો કે મીડિયાના કેટલાક વિભાગો તો સત્તાવાર ચૂકાદો જાહેર થયા પહેલાં જ જલ્લાદની ભૂમિકા ભજવવાની ભારે ઉતાવળમાં હોય તેમ દેખાય છે. ભીખુભાઈ અને વિજયભાઈ પટેલ સૌ પહેલાં કિશોરાવસ્થામાં યુકેમાં આવ્યાં ત્યારથી માંડી વર્તમાન પ્રકરણ સુધી તેમના જીવનનો ઇતિહાસ ઉખેળવો તે તેમની સુસ્થાપિત સાફલ્યકથાઓને ખરડવાનો પ્રયાસ મીડિયાના કેટલાક વિભાગો દ્વારા થતો હોવાનો જણાય છે.
ભીખુભાઈ અને વિજયભાઈ પટેલ દ્વારા સંપત્તિના સર્જનનો આરંભ ૨૦૧૩માં થયો નથી, તે તો ૪૦ વર્ષના દાયરામાં ફેલાયેલો છે. તેમણે યુકે અને આંતરરાષ્ટ્રીય રીતે ફર્માસ્યુટિકલ એસેટ્સ હાંસલ કરવા ૫૦ મિલિયન પાઉન્ડના રોકાણ સાથે ૨૦૧૩ના ઉત્તરાર્ધમાં જ એટનાસની સ્થાપના કરી હતી. વર્ષ ૨૦૧૫માં યુકે એસેટ્સમાંથી ૧૮ મિલિયન પાઉન્ડની રેવન્યુ પ્રાપ્ત થઈ હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય એસેટ્સમાંથી ૧૯ મિલિયન પાઉન્ડની રેવન્યુ સર્જાઈ હતી.
વિજયભાઈ ૧૬ વર્ષની વયે ખિસ્સામાં માત્ર પાંચ પાઉન્ડ, થોડા ઓ-લેવલ્સ અને જિંદગીમાં સફળ થવાના મક્કમ નિર્ધાર સાથે કેન્યાથી બ્રિટન આવ્યા હતા. લેસ્ટરમાં કોલેજ ઓફ ફાર્મસીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી વિજયભાઈએ ૧૯૭૫માં એસેક્સના લેઈ-ઓન-સી ખાતે તેમની પ્રથમ ફાર્મસી ખોલી હતી. ૧૯૮૨ સુધીમાં તો તેઓ છ શોપ્સના માલિક બન્યા અને વેચાણ બમણું થયું હતું. આવા ઝડપી વિકાસના કારણે સર્જાયેલા કાર્યબોજમાં મદદ જરૂરી બનતા આર્કિટેક્ટની તાલીમ ધરાવતા ભીખુભાઈ આ તબક્કે તેમની સાથે કંપનીમાં જોડાયા હતા. આ પછીના બે દાયકામાં બિઝનેસ વધીને રીટેઈલ ફાર્મસીની ચેઈનમાં ફેરવાયો હતો. પટેલબંધુએ ૨૦૦૧માં તેમની રીટેઈલ ચેઈનનું વેચાણ કર્યું હતું.
રીટેઈલ ચેઈનને જમાવવાની સાથોસાથ જ પટેલબંધુઓએ તેમના પ્રોપર્ટી પોર્ટફોલિયો સ્થાપવાની શરૂઆત કરી હતી. તેમના રીટેઈલ આઉટલેટ્સ ખરીદી પ્રોપર્ટીની માલિકી દ્વારા મૂલ્યસર્જન કરી શકાય છે તે પારખીને તેમણે રિયલ એસ્ટેટના અન્ય પ્રોજેક્ટ્સમાં પણ આ સિદ્ધાંતો અપનાવ્યા હતા. હવે તેમની પાસે અંદાજે ૨૦૦ મિલિયન પાઉન્ડના મૂલ્યનો પ્રોપર્ટી પોર્ટફોલિયોની માલિકી છે.
આ રીટેઈલ ચેઈન ચલાવવા દરમિયાન જ તેમને કોસ્ટ ઘટાડવા માટે મોટા જથ્થામાં ખરીદી કરવાની અન્ય તક દેખાઈ હતી, તેમણે પોતાની ફાર્મસીઓની ચેઈનને પ્રોડક્ટ્સનો પુરવઠો પુરો પાડવા સાથે અન્ય કંપનીઓને પણ સપ્લાય મોકલવાનો આરંભ કર્યો હતો. તેમણે ફાર્માસ્યુટિકલ હોલસેલર અને ડિસ્ટ્રિબ્યુટર તરીકે મુખ્ય કામગીરી કરવા માટે ૧૯૮૪માં વેમેડ હેલ્થકેરની સ્થાપના કરી હતી.
પરિવારે ૧૯૯૦ના દાયકા સુધીમાં કોસ્ટમાં બચત કરવા અને વધુ સ્પર્ધાત્મક કિંમતોએ બજારમાં પુરવઠો પુરો પાડવાના હેતુસર યુરોપમાંથી ફાર્માસ્યુટિકલ્સની આયાત કરવામાં મોટી તક પારખી હતી. તેમણે વેમેડની અંદર જ પાયારૂપ સમાંતર આયાત બિઝનેસ સ્થાપવા માટે વિવિધ નિયમનકારી અવરોધો અને અન્ય પડકારોનો સફળ સામનો કર્યો હતો. વેમેડ દ્વારા હોસ્પિટલો, રીટેઈલ ફાર્મસીઓ તથા અન્ય હોલસેલર્સ સહિત વ્યાપક ગ્રાહકવર્ગને પુરવઠો પુરો પડાયો હતો.
પટેલબંધુએ મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી ઓફ-પેટન્ટ ફાર્માસ્યુટિકલ એસેટ્સ હસ્તગત કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવા ૨૦૦૩માં અલગ જ આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની એમ્ડીફાર્મની સ્થાપના કરી હતી. અહીં પણ, પટેલબંધુઓએ બજારમાં તફાવત-ગેપને પારખીને અન્ય કંપનીઓ માટે કેન્દ્રરૂપ ન રહી હોય તેવી પ્રોડક્ટસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
પરિવાર દ્વારા એસેટ્સ પોર્ટફોલિયો હાંસલ કરવા અને લાયસન્સીસ ટ્રાન્સફર કરવા માટેના આવશ્યક નિયમનકારી અને ટેક્નિકલ કામકાજ તેમજ વિશ્વભરમાં ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સ્થાપવા નોંધપાત્ર મૂડી ખર્ચ કરવામાં આવ્યો હતો. બિઝનેસનું ટર્નઓવર ૨૦૧૨ સુધીમાં ૧૧૦ મિલિયન પાઉન્ડ થયું હતું, જેના ૭૦ ટકા આંતરરાષ્ટ્રીય વેચાણો થકી મેળવાયા હતા. તેમણે ઓક્ટોબર ૨૦૧૨માં એમ્ડીફાર્મનું વેચાણ ખાનગી ઈક્વિટી ફર્મને કર્યું હતું. આ પછી પટેલબંધુઓ કોઈ સંચાલકીય વ્યવસ્થામાં સંકળાયેલા ન હતા. તેમણે ૨૦૧૩માં પોતાના ડાઈવર્સિફાઈડ હિતો અને ઈન્વેસ્ટમેન્ટ્સના સંચાલન માટે પોતાની ફેમિલી ઓફિસ, વેમેડ કેપિટલની સ્થાપના કરી હતી.
પટેલબંધુઓ વર્ષો દરમિયાન અનેક ચેરિટી પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા રહ્યા છે, પાણીના કૂવાઓના નિર્માણ તેમજ મેડિકલ કેમ્પ્સ સહિતના ઘણા પ્રોજેક્ટ્સમાં તેમણે સક્રિય ભૂમિકા પણ ભજવી છે. તાજેતરમાં જ તેમણે નાણાકીય જરૂરિયાત વિદ્યાર્થીઓ માટે લેસ્ટરની ડી મોનફોર્ટ યુનિવર્સિટીને ૧ મિલિયન પાઉન્ડનું દાન કર્યું હતું. તેમણે ૨૦૧૩માં સખાવતી શાંતા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી, જેના દ્વારા તાકીદના આશ્રય, શિક્ષણ અને આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરતા યુકે અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સને ભંડોળ આપવામાં આવે છે.
ઉપરની તવારીખ દર્શાવે છે કે પટેલબંધુઓ ભીખુભાઈ અને વિજયભાઈએ કેવી રીતે શૂન્યમાંથી તેમના બિઝનેસ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. આનાથી વિપરીત, મેઈનસ્ટ્રીમ મીડિયા આપણને કાંઈ જુદું જ ચિત્ર દર્શાવે છે, આમ શા માટે?
બરાબર છે કે એટનાસની બાબત સત્તાવાળાઓ સમક્ષ પડતર છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે એટનાસ પ્રકરણ, જેનું પરિણામ કાંઈ પણ હોય, સાચી અને સંપૂર્ણ કથા કહે છે?