લંડનઃ ચેપી લોહીના પીડિતોને વળતર ચૂકવવાની દિશામાં આગળ વધવા સરકારે જાહેરાત કરી છે. આ વર્ષા અંત સુધીમાં વળતર ચૂકવવાનો પ્રારંભ થાય તે માટે 24 ઓગસ્ટ પહેલાં રેગ્યુલેશન્સ પસાર કરી દેવાશે. એનએચએસના ઇતિહાસમાં ચેપી લોહી ચડાવવાનું સ્કેન્ડલ સૌથી મોટી કરૂણાંતિકા હતી. 30,000 કરતાં વધુ લોકોને એચઆઇવી અને હિપેટાઇટિસ સી ગ્રસ્ત લોહી ચડાવી દેવામાં આવ્યું હતું. તેમાંથી 3000 દર્દીનાં મોત થઇ ચૂક્યાં છે.
સરકારના જણાવ્યા અનુસાર દર્દીની સ્થિતિ પ્રમાણે વળતર નક્કી કરાશે. મહત્તમ વળતર 2 મિલિયન પાઉન્ડ રહેશે. ચેપી લોહીના કારણે દર્દીને કેટલું નુકસાન થયું, કેવા પ્રકારની સામાજિક અસર થઇ, સ્વતંત્રતા અને પ્રાઇવેટ લાઇફ પર કેવી અસર પડી, સારવારના ખર્ચ અને આર્થિક નુકસાન એમ પાંચ માપદંડોને ધ્યાનમાં લઇને વળતર ચૂકવાશે. પરિવારજનો અને પ્રિયજનોને પણ વળતર ચૂકવાશે.
વળતર સત્તામંડળના વચગાળાના અધ્યક્ષ સર રોબર્ટ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે, ભલામણોમાં કરાયેલા સુધારાને સરકારે સ્વીકારી લીધાં છે. જેમાં અનૈતિક રિસર્ચનો ભોગ બનેલાને 15,000 પાઉન્ડ સુધીનું વધારાનું વળતર ચૂકવાશે.