લંડનઃ હેરોમાં વસવાટ કરતા હોસ્પિટલ મેનેજર જયશ્રી શાહ ચેરિટી માટે ભંડોળ એકઠું કરવા ડિસેમ્બર મહિનામાં ભારતમાં ઓટોરિક્ષા દ્વારા 3,000 કિમીનો પડકારજનક પ્રવાસ કરશે. જયશ્રી શાહ નોર્થવિક પાર્ક હોસ્પિટલના વાસ્ક્યુલર ડિપાર્ટમેન્ટમાં સેવા આપે છે. તેઓ 36 ઓટોરિક્ષાના આ કાફલામાં સામેલ થવાના છે. તેઓ નિરાધાર બાળકો માટે કામ કરતી ચેરિટી શિશુકુંજ માટે ફંડ રેઇઝર તરીકે કામ કરશે.
આ કલ્યાણકાર્યમાં 107 સ્વયંસેવકો 36 ઓટોરિક્ષા સાથે સામેલ થવાના છે. તેઓ ભારતના દક્ષિણ છેડાથી ગુજરાત સુધીનો પ્રવાસ ઓટોરિક્ષા દ્વારા ખેડશે અને ચેરિટી માટે ભંડોળ એકઠું કરશે. જયશ્રી શાહ કહે છે કે મેં ક્યારેય ઓટોરિક્ષા ચલાવી નથી અથવા તો ભારતીય સડકો પર પ્રવાસ કર્યો નથી.
12 દિવસના આ પ્રવાસમાં જયશ્રી શાહ સાથે તેમના ભાઇ અને ભાભી પણ જોડાવાના છે. તેઓ આ પ્રવાસમાં એકઠા થનારા ભંડોળ દ્વારા ગુજરાતના ભૂજ શહેર ખાતે એક શિક્ષક તાલીમ સંસ્થાનું નિર્માણ કરવા માગે છે.
જયશ્રી કહે છે કે આ પ્રવાસ પડકારજનક રહેવાનો છે પરંતુ હું એક સારા કામ માટે તેમાં જોડાઇ રહી છું. જયશ્રી પ્રવાસમાં જોડાતા પહેલાં ઓટોરિક્ષા ચલાવવાની તાલીમ પણ લેવાના છે.