લંડનઃ પોતાની જ ચેરિટી સંસ્થામાંથી લગભગ 50,.000 પાઉન્ડની ઉચાપત માટે 55 વર્ષીય રાજબિન્દર કૌરને બે વર્ષ અને આઠ મહિનાની કેદ ફટકારવામાં આવી છે. કૌર પર તેમની ચેરિટી સંસ્થા શીખ યૂથ યુકેને દાનમાં મળેલી રકમનો પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચી નાખવાનો આરોપ મૂકાયો હતો. કૌર પર મોટું દેવું હતું પરંતુ તેમની જીવનશૈલી ઘણી લક્ઝરી રહી હતી.
એક્સ બેન્કર એવા કૌરે ચેરિટીના દાનમાંથી તેમના પોતાના જ બેન્ક ખાતા અને અન્યોના બેન્ક ખાતામાં રકમ ટ્રાન્સફર કરીને મની ટ્રેઇલની એક માયાજાળ રચી હતી. કૌર અને તેમના દોષી ઠરેલા ડ્રગ ડીલર ભાઇ કાલદીપ સિંહ લેહાલે તપાસ દરમિયાન ચેરિટી કમિશન સમક્ષ પણ જુઠ્ઠાણા ચલાવ્યાં હતાં. કાલદીપને 4 મહિનાની કેદની સજા અપાઇ હતી.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા બંને ભાઇ-બહેનને સજાની સુનાવણી કરાઇ હતી. જોકે તે સમયે તેમના ઘણા સમર્થકોએ કોર્ટની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. તેમણે આરોપ મૂક્યો હતો કે આ કેસ એક પ્રકારનું વિચહન્ટ છે.