લંડન: લિંકનશાયરમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગાળતાં 70 વર્ષનાં ટીજી હડસન સાથે એક અનોખી ઘટના બની છે. વાત એમ છે કે ટીજીએ 48 વર્ષ પહેલાં નોકરી માટે કરેલી એક અરજીનો જવાબ છેક હવે છેક મળ્યો છે. ટીજીએ 1976માં એક કંપનીમાં મોટરસાઇકલ સ્ટંટ રાઇડરની નોકરી માટે અરજી કરી હતી. ટીજી જણાવે છે કે એપ્લાય કર્યા પછી હું સતત મારી પોસ્ટ ચેક કરતી હતી, પણ હું દરેક વખતે નિરાશ થતી. હું ખરેખર સ્ટંટ રાઇડર બનવા માગતી હતી. ટીજીને વધુ આશ્ચર્ય તો એ વાતનું છે કે આટલા વર્ષો પછી આ પત્ર તેની પાસે પહોંચ્યો કઇ રીતે કારણ કે પોતે આજ સુધીમાં પચાસ વખત સરનામું બદલી ચૂક્યાં છે. બન્યું છે એવું કે કંપનીએ મોકલેલો જવાબ લાંબો સમય પોસ્ટ ઓફિસના ડ્રોઅરમાં પડ્યો રહ્યો હતો, જે એક અધિકારીના હાથમાં આવતાં તેણે જહેમત ઉઠાવી ટીજીની ભાળ મેળવીને પત્ર તેમને પહોંચાડ્યો છે.