જમૈકા, બર્મિંગહામઃ જમૈકાના મોન્ટેગો બેની ૩૩ વર્ષીય બિઝનેસવુમન ડીઆના-રે ક્લેટનના જીવનમાં અજીબોગરીબ ઘટના ઘટી છે. ડીઆના એક ગંભીર કાર અકસ્માતના પરિણામે હોસ્પિટલમાં કોમામાં રહ્યા પછી જાગી ત્યારે પળવારમાં તેનું જીવન બદલાઈ ગયું હતું. તેની બોલીમાં બ્રિટિશ અને ખાસ કરીને બર્મિંગહામની રહેવાસી હોય તેવા ‘બ્રૂમિ’ ઉચ્ચાર આવી ગયા હતા. આ પરિવર્તનના લીધે ડીઆનાથી માંડીને સહુ કોઇ આશ્ચર્યચકિત છે કેમ કે ડીઆનાની ભાષા-બોલી સ્થાનિક પેટિઓસ છે અને તેણે કદી યુકેની મુલાકાત લીધી નથી. વધુ નવાઈની વાત એ પણ છે કે પહેલા જમોડી ડીઆના હવે ડાબોડી બની ગઈ છે.
એક વર્ષ અગાઉ ડીઆના-રે ક્લેટન મિત્રો સાથે નેગ્રિલમાં પાર્ટી પછી ઘેર પાછી ફરી રહી હતી ત્યારે ગંભીર કાર અકસ્માત થતા તેની જિંદગી બદલાઈ ગઈ છે. તેના એક મિત્રનું મૃત્યુ થયું અને બાકીના બેને ગંભીર ઈજા પહોંચી હતી. ડીઆના હોસ્પિટલ પહોંચી ત્યારે બેભાન હતી. અકસ્માતના બે દિવસ પછી તે કોમામાંથી જાગી ત્યારે અમેરિકન ઉચ્ચાર સાથે બોલતી હતી. અને થોડાક મહિના પછી તેનાં ઉચ્ચારમાં બ્રિટિશ છાંટ આવી ગઈ હતી.
ફોરેન એક્સેન્ટ સિન્ડ્રોમ
ડોક્ટરો આવી હાલતને ‘ફોરેન એક્સેન્ટ સિન્ડ્રોમ’ કહે છે જેના કારણે તે વતનની મૂળ બોલીમાંથી અચાનક વિદેશી ભાષા બોલી બોલાવા લાગે છે. જમૈકામાં આ સિન્ડ્રોમ ધરાવતી ડીઆના એક માત્ર વ્યક્તિ છે. અકસ્માતના લીધે ડીઆનાને જમણી આંખમાં અંધાપો આવ્યો છે અને શારીરિક અક્ષમતા પણ આવી છે. અગાઉ તે જમોડી હતી પરંતુ, હવે ડાબોડી બની ગઈ છે. તેને યાદદાસ્તની સમસ્યા પણ સર્જાઈ છે. ગંભીર ઇજામાંથી સાજી થયેલી ડીઆના હજુ ચાલવાનું બરાબર શીખી રહી હોવાં છતાં, જિંદગી જીવવાનાં તેનાં ઉત્સાહમાં કોઈ કમી આવી નથી. પથારીમાંથી ઉઠવા કે ચાલવામાં તેને સહાય લેવી પડે છે. ડોક્ટરો કહે છે કે હજુ બે વર્ષ તેને તકલીફોનો સામનો કરવો પડશે. જોકે, કોવિડ-૧૯ના કારણે સારવાર બરાબર મળતી ન હોવાથી આ સમયગાળો લંબાઇ જાય તેવી પણ શક્યતા છે.
ધરમૂળથી પરિવર્તન
ડીઆના કહે છે કે, ‘અકસ્માતના કારણે માથાને ભારે આઘાત લાગ્યા પછી સ્ટ્રોક સાથે મગજને પણ નુકસાન થયું હતું. ભાષા પર નિયંત્રણ હોય તેવા મગજના હિસ્સા પર સોજાના લીધે મારાં ઉચ્ચાર બદલાઈ ગયાં છે. હું જમૈકન ઉચ્ચારથી બોલી શકતી નથી. આ ઉપરાંત, જમોડી હોવાના બદલે ડાબોડી બની ગઈ છું. મારું જીવન હવે પહેલાં જેવું કદી નહિ રહે.’
ડીઆના કહે છે કે , ‘કંઇ પણ બોલતી વેળા મારાં દિમાગમાં તો હું પેટિઓસ ભાષા જ બોલું છું પરંતુ, મોંમાંથી તો બ્રિટિશ ઉચ્ચારો જ નીકળે છે. જણાય છે. આ આશ્ચર્યજનક પરિવર્તનથી ટેવાતાં મને થોડોક સમય પણ લાગ્યો છે. પહેલા હું જમણા હાથે લખતી હતી પરંતુ, હવે બંને હાથથી લખી શકું છું. ઘણાં લોકો મને કહે છે કે તારાં ઉચ્ચારોથી એવું જ લાગે છે કે જાણે તું બર્મિંગહામની હોય. મારાં ઉચ્ચાર બધાને ગમતા હોવાથી હું વોઈસઓવરનું કામ કરવા અંગે પણ વિચારી રહી છું.’