લંડનઃ જમૈકાની સરકારે કિંગ ચાર્લ્સને દેશના બંધારણીય વડાપદેથી હટાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો છે. દેશને પ્રજાસત્તાક જાહેર કરવા અને બંધારણીય રાજાશાહીનો અંત લાવવા માટે જમૈકાની સંસદમાં ખરડો રજૂ કરી દેવાયો છે. અગાઉના ઘણા બ્રિટિશ સંસ્થાનોની જેમ 1962માં સ્વતંત્ર થયા પછી પણ જમૈકાએ બ્રિટિશ રાજવીને તેના બંધારણીય વડાપદે જાળવી રાખ્યાં હતાં.
આમ તો કિંગનો બંધારણીય વડાનો હોદ્દો દેખાવ પૂરતો જ છે. જમૈકાના શાસનમાં બ્રિટનનો કોઇ હસ્તક્ષેપ ચાલતો નથી પરંતુ હવે નવો ખરડો પસાર થયા બાદ જમૈકાના પ્રમુખ જ દેશના બંધારણીય વડા ગણાશે.
જમૈકાના કાયદા અને બંધારણીય બાબતોના મંત્રી માર્લિન માલાહૂ દ્વારા સંસદમાં આ ખરડો રજૂ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, જમૈકાની જનતાની માગના કારણે અમે આ ખરડો રજૂ કરી રહ્યાં છીએ. દર વર્ષે અમે 6 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે એક સવાલ હંમેશા ગૂંજતો રહે છે કે દેશમાંથી રાજાશાહીનો અંત ક્યારે આવશે. દેશને ક્યારે જમૈકન બંધારણીય વડા મળશે.