લંડનઃ જર્મનીસ્થિત બ્રિટિશ એમ્બેસીના ૫૭ વર્ષીય કર્મચારીની રશિયા માટે જાસૂસી કરવાના આક્ષેપસર ૧૦ ઓગસ્ટ મંગળવારે બર્લિનમાં ધરપકડ કરાઈ છે. આ શકમંદ કર્મચારીને ડેવિડ સ્મિથ તરીકે ઓળખાવાયો છે. મેટ્રોપોલીટન પોલીસે આ ધરપકડની ઘટનાને સમર્થન આપ્યું છે. જોકે, એવી સ્પષ્ટતા કરાઈ હતી કે ડેવિડ સ્મિથ બ્રિટિશ રાજદ્વારી નથી પરંતુ, એમ્બેસીમાં કામ કરવા ભરતી કરાયેલી સ્થાનિક વ્યક્તિ છે.
જર્મન પબ્લિક પ્રોસીક્યુટરે નિવેદનમાં જણાવ્યું હતું કે બર્લિનની બ્રિટિશ એમ્બેસીમાં સ્થાનિક કર્મચારી તરીકે કાર્યરત ડેવિડ સ્મિથની વ્યાવસાયિક પ્રવૃત્તિમાં મેળવાયેલા દસ્તાવેજો ઓછામાં ઓછાં એક વખત રશિયન ઈન્ટેલિજન્સ સર્વિસના પ્રતિનિધિને આપતા જોવા મળ્યો હતો. માહિતી આપવાના બદલામાં તેણે અચોક્કસ રોકડ રકમ પણ મેળવી હતી. RAFના પૂર્વ જુનિયર નોન- કમિશન્ડ ઓફિસર સ્મિથના ફ્લેટમાંથી બે રશિયન ફ્લેગ અને સોવિયેત સંઘ સમયની સંખ્યાબંધ પ્રચારસામગ્રી, રશિુયન લશ્કરી ઈતિહાસના પુસ્તકો તેમજ ત્રણ મિલિટરી કેપ્સ મળી આવી હતી. તેણે ૨૦૦૦ના દાયકામાં સર્વિસ છોડ્યા પછી તે મિલિટરીમાં ન હતો.
યુકે સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર માટે કોન્ટ્રાક્ટ પર કામ કરતી વ્યક્તિની જર્મન સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરાઈ છે. પોલીસ તપાસ ચાલી રહી હોવાથી વધુ ટીપ્પણી કરવી યોગ્ય નહિ લેખાય. મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યા અનુસાર મેટના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડ અને જર્મન સમકક્ષો વચ્ચે સંયુક્ત તપાસના ભાગરુપે આ ધરપકડ કરાઈ હતી. ડેવિડ સ્મિથને જર્મનીની ફેડરલ કોર્ટ ઓફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે.