લંડનઃ જર્મન ઓથોરિટીએ નોંધેલા લગભગ £૧૦૦ મિલિયનની કરચોરીના આરોપસર ૪૩ વર્ષીય બ્રિટિશ શીખ બિઝનેસમેન પીટર સિંઘ વીરડીની તાજેતરમાં હિથ્રો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. વીરડી સામેનો આરોપ પૂરવાર થાય તો તેને દેશનિકાલ કરીને જર્મની મોકલાશે અને ત્યાં ૧૫ વર્ષની કેદ ભોગવવી પડશે. જોકે, વીરડીએ કરચોરીનો ઈનકાર કર્યો હતો.
મેટ્રોપોલિટન પોલીસ સર્વિસના એક્સ્ટ્રાડિશન યુનિટના અધિકારીઓએ યુરોપિયન વોરંટના આધારે ધરપકડ બાદ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે વીરડીને જામીન પર મુક્ત કર્યો હતો.
વીરડી તરફથી લીગલ ફર્મ કાર્ટર-રકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમના અસીલ કાર્બન ક્રેડિટ સંબંધિત કોઈ ઠગાઈમાં સંડોવાયેલા નથી. તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા અને આ આરોપોમાંથી મુક્ત થવા માગે છે.
જર્મનીના પ્રોસિક્યુટરોએ આક્ષેપ કર્યો હતો કે વીરડી ઈયુ એમિસન્સ ટ્રેડિંગ સ્કીમ હેઠળ કાર્બન ક્રેડિટ પર વેટ ન ચૂકવીને ઓથોરિટી સાથે ઠગાઈનું ગુનાહિત કાવતરું ઘડનારા ‘મુખ્ય સૂત્રધારો’ પૈકી એક હતો. તે ઈયુ કાર્બન ક્રેડિટ લેવા માટે ‘વેટ કેરૌસેલ’ સ્કીમ ચલાવતો હતો. તેમાં ઈયુના વેટ નિયમોનો લાભ લેવા માટે એક સભ્ય પોતાની ક્રેડિટ બીજા સભ્યને એક્સપોર્ટ કરે છે. નિકાસ થતી હોવાથી વેચાણ ટેક્સમુક્ત હોય છે. જોકે, વેપારીઓ તો ગ્રાહકો પાસેથી વેટ વસૂલ કરે છે પણ ઓથોરિટી સમક્ષ તે જાહેર કરતા નથી. આ સ્કીમ ૨૦૦૮થી ૨૦૧૨ સુધી અમલી હતી.
લંડનમાં પ્રોપર્ટી કંપની ધરાવતો અને પોતાના ગ્રૂપમાં ‘બેટમેન’ તરીકે ઓળખાતો વીરડી ઘણાં નામ ધારણ કરીને ઓળખ છૂપાવતો હોવાનો દાવો કરાયો હતો. વીરડીએ પોતે ઈંગ્લિશ નેશનલ ઓપેરાના પ્રથમ શીખ પેટ્રન તેમજ પીટર વીરડી ફાઉન્ડેશન મારફતે સમાજસેવા કરતા હોવાનું જણાવ્યું હતું.