લંડનઃ ભારતીય મૂળના ઇલફોર્ડ સાઉથ બેઠક પરથી ચૂંટાયેલા લેબર સાંસદ જસ અઠવાલ પર કીડીઓ અને કાળી ફૂગ ધરાવતા ફ્લેટ ભાડે આપવાનો આરોપ મૂકાયો છે. જસ અઠવાલ 15 રેન્ટલ ફ્લેટની માલિકી ધરાવે છે આમ તેઓ હાઉસ ઓફ કોમન્સમાં સૌથી મોટા લેન્ડલોર્ડ છે.
અઠવાલની માલિકીના સાત ફ્લેટના ભાડૂઆતોનો આરોપ છે કે તેમને કાળી ફૂગ હટાવવા માટે નિયમિત રીતે તેમના બાથરૂમની સિલિંગ સાફ કરવી પડે છે. હવે અઠવાલે કબૂલાત કરી છે કે તેમના ફ્લેટ રેડબ્રિજ કાઉન્સિલ લીડર તરીકે તેમણે લાગુ કરેલી સ્કીમ અંતર્ગત જરૂરી યોગ્ય પ્રોપર્ટી લાયસન્સ ધરાવતા નથી. આ પહેલાં તેમણે એવો દાવો કર્યો હતો કે તેઓ તમામ નિયમોનું પાલન કરી રહ્યાં છે.
અઠવાલે જણાવ્યું હતું કે, ભાડુઆતોની મુશ્કેલીઓ અંગે સાંભળીને મને આઘાત લાગ્યો છે અને તે અંગે હું દિલગીર છું. મને આ વાતની જાણ નહોતી કારણ કે મારી પ્રોપર્ટીનું સંચાલન એક એજન્સી દ્વારા કરાય છે. હું તાત્કાલિક મરામત અને જાળવણીનું વચન આપું છું.
ફૂગના ઉપદ્રવ સાથે જસવાલના ફ્લેટોમાં કીડીઓનો પણ ભારે ઉપદ્રવ જોવા મળ્યો હતો. ભાડૂઆતો કહે છે કે ફ્લેટમાં ચારેબાજુ કીડીઓ જોવા મળે છે. દરવાજાની ફ્રેમમાંથી જીવજંતુ પણ અંદર ઘૂસી આવે છે. જો અમે ફરિયાદ કરીશું તો અમારી પાસે ફ્લેટ ખાલી કરાવી દેવાશે તેવી ધમકી એજન્સી દ્વારા આપવામાં આવે છે.