લંડનઃ ઈંગ્લેન્ડમાં લાખો વિદ્યાર્થીઓ માટે ૪ અને ૧૧ જાન્યુઆરીથી ખુલનારી શાળાઓ હવે ખોલવામાં આવશે નહિ તેમ જણાય છે. પ્રાઈમરીઝ, ધોરણ ૧૧ અને ૧૩ તેમજ ચાવીરુપ વર્કર્સના બાળકો સિવાય તમામ સેકન્ડરી સ્કૂલ્સ બંધ રાખવામાં આવશે. બીજી તરફ, વિજ્ઞાનીઓના સલાહકારી જૂથ (SAGE) દ્વારા કોવિડને કાબુમાં રાખવા તમામ સેકન્ડરી સ્કૂલ્સ જાન્યુઆરીમાં નહિ ખોલવા માગણી કરાઈ હતી. યુનિયન્સ દ્વારા ૧૫ દિવસ સુધી શાળાઓ બંધ રાખવા માગણી કરાઈ હતી જેથી કોવિડ ટેસ્ટિંગ હાથ ધરી શકાય. જોકે, શાળાઓ હજુ લાંબો સમય બંધ રહેવાની શક્યતા છે ત્યારે પેરન્ટ્સ અને ઓફસ્ટેડ દ્વારા ઓનલાઈન લર્નિંગ ઉતરતી કક્ષાનું હોઈ બાળકોનું શિક્ષણ બગડશે તેવી ચિંતા પણ દર્શાવાઈ છે.
નવા મ્યુટન્ટ કોરોના વાઈરસ સ્ટ્રેનને અંકુશમાં લેવા SAGEના વિજ્ઞાનીઓએ તમામ શાળાઓને જાન્યુઆરી મહિનામાં બંધ રાખવા સહિત વધુ કડક ત્રીજા નેશનલ લોકડાઉન લાદવાની વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને અપીલ કરી છે. આના પરિણામે લાકો બાળકોને હજુ એક મહિનો ઉતરતી કક્ષાનું ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી શકે છે. કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવે જણાવ્યું હતું કે વિજ્ઞાન સલાહકાર જૂથની સલાહના કારણે હવે શાળાઓ ખોલવા મુદ્દે ફેરવિચારણા થઈ રહી છે.
ગોવે જણાવ્યું હતું કે સોમવારથી કી વર્કર્સ પેરન્ટ્સના બાળકો સહિત ધોરણ ૧૧ અને ૧૩ના વિદ્યાર્થીઓ શાળાએ જશે અને પ્રાઈમરી સ્કૂલ્સ પણ તેમના સમયે ખુલી જશે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે ૧૧ જાન્યુઆરીથી સેકન્ડરી શાળાઓ ખોલવા બાબતે સમીક્ષા થઈ રહી છે. એમ પણ મનાય છે કે ટિયર -૪માં રહેતા બાળકોને મધ્ય ફેબ્રુઆરીની હાફ ટર્મ સુધી ઘરમાં જ રહેવાની ફરજ પડશે. ટોરી પાર્ટીના સભ્યો નવી ટર્મથી શાળાઓ ખોલવા વડા પ્રધાન પર દબાણ કરી રહ્યા છે.
સેકન્ડરી શાળાઓના વિદ્યાર્થીઓને ક્રિસમસની રજાઓ પછી ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવે જેથી કોરોના વાઈરસ ટેસ્ટિંગ અને શિક્ષકોનું વેક્સિનેશન થઈ શકે તેવી શિક્ષકો અને યુનિયનોની માગણી સામે સરકાર ઝૂકી ગઈ છે. એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસને જાન્યુઆરીમાં શાળાઓ ફરી ખોલવા મુદ્દે હેડટીચર્સ અને યુનિયન્સ સાથે મંત્રણા હાથ ધરી હતી.