લંડનઃ સમગ્ર વિશ્વમાં જાપાનનો પાસપોર્ટ ફરી એક વખત શક્તિશાળી જાહેર કરાયો છે. જાપાનના પાસપોર્ટ પર વિઝા મેળવ્યા વિના જ ૧૯૨ દેશનો પ્રવાસ કરી શકાય છે. આ જ રીતે સિંગાપોરનો પાસપોર્ટ પણ ૧૯૨ દેશના વિઝામુક્ત પ્રવાસ માટે શક્તિશાળી છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાનો પાસપોર્ટને પ્રથમ પાંચમાં સ્થાન મળ્યું નથી. યુએસ અને યુકેના પાસપોર્ટ સંયુક્તપણે ૭મા ક્રમે છે. મોસ્ટ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટમાં ભારતનું સ્થાન ૯૦મું છે જ્યારે પાકિસ્તાન ૧૧૩મા અને અફઘાનિસ્તાન સૌથી છેલ્લા ૧૧૬મા ક્રમે છે.
હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા દર વર્ષે દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનુ રેન્કિંગ જાહેર કરાય છે. આ વખતના રેન્કિંગમાં જાપાન અને સિંગાપોરના પાસપોર્ટે ટોપ પોઝિશનમાં રહ્યાં છે. આ યાદીમાં ભારતીય પાસપોર્ટનુ સ્થાન ૬ ક્રમ પાછળ જઈ ૯૦મા ક્રમે પહોંચ્યું છે. ભારતના નાગરિકો હાલમાં ૫૮ દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. ભારત કરતાં તો કેન્યા (૭૨), ટાન્ઝાનિયા (૭૨) અને યુગાન્ડા (૬૭) પણ આ બાબતે આગળ છે.
જાપાન અને સિંગાપોરના પાસપોર્ટધારકો વિઝા વગર ૧૯૨ દેશનો પ્રવાસ કરી શકે છે. આ યાદીમાં જર્મની, સાઉથ કોરિયા બીજા સ્થાને, ફિનલેન્ડ, ઈટલી, લક્ઝમબર્ગ અને સ્પેન ત્રીજા, ઓસ્ટ્રિયા અને ડેનમાર્ક ચોથા તેમજ ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ અને સ્વિડન પાંચમા ક્રમે રહ્યા છે.
અફઘાનિસ્તાન, ઈરાક, સીરિયા, પાકિસ્તાન અને યમનનો પાસપોર્ટ સૌથી ઓછા શક્તિશાળી છે. રેન્કિંગ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન(IATA)ના ડેટા વિશ્લેષણ આધારિત છે. પાવરફુલ પાસપોર્ટના લિસ્ટ માટે જે તે દેશના પાસપોર્ટ પર નાગરિકો બીજા કેટલા દેશમાં વિઝા ફ્રી યાત્રા કરી શકે છે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવે છે. જોકે રિપોર્ટ જાહેર કરવામાં કોવિડ-૧૯ના નિયંત્રણો ધ્યાને લેવાયા નથી. વિશ્વના તમામ નાના-મોટા દેશોએ મહામારી રોકવા માટે ટ્રાવેલ પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે કેટલીક જગ્યાએ તેમાં રાહત અપાઈ રહી છે.