લંડનઃ સ્ટાર્મર સરકાર પબ ગાર્ડન અને અન્ય જાહેર સ્થળો ખાતે ધુમ્રપાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. સરકાર ઇનડોર સ્મોકિંગ બાનને હવે ફૂટબોલ સ્ટેડિયમ, આઉટડોર રેસ્ટોરન્ટ, શિશા બાર અને નાઇટ ક્લબોમાં ઓપન એર જગ્યાઓમાં આઉટડોર સ્મોકિંગ બાન લાદવા વિચારણા કરી રહી છે.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટીના સમર્થન સાથે આ પ્રતિબંધ લાદવાની દિશામાં આગળ વધવા નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ યુનિવર્સિટી, હોસ્પિટલ, બાળકોના રમવાના સ્થળ અને નાના પાર્કમાં પણ લાગુ થશે. જોકે પ્રાઇવેટ ઘર, મોટા પાર્ક અને સડકો પર આ પ્રતિબંધ લદાશે નહીં. પ્રતિબંધિત સ્થળોથી કેટલા અંતરે રહીને ધુમ્રપાન કરી શકાશે તે હવે નક્કી કરાશે. દરિયા કિનારા કે ઇનડોર પાર્કમાં આ પ્રતિબંધ લાગુ થશે કે કેમ તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી.
આ પ્રતિબંધનો અમલ યુકેના ચારે દેશમાં થશે. જોકે આ અંગે પહેલાં જનમત પણ લેવામાં આવશે. લેબર પાર્ટીએ આ માટે તેના ચૂંટણી ઢંઢેરામાં વચન તો આપ્યું નહોતું પરંતુ આ પગલાં દ્વારા ટોબેકો એન્ડ વેપ્સ બિલને વધુ આકરું બનાવી શકાશે.