લંડનઃ વિશ્વમાં છેલ્લા 30 વર્ષમાં ડાયાબિટિસથી પીડાતા લોકોની સંખ્યા બમણી થઇ 800 મિલિયન પર પહોંચી છે. લાન્સેટમાં પ્રસિદ્ધ કરાયેલ અહેવાલ અનુસાર 1990થી 2022ની વચ્ચે પુખ્તોમાં ડાયાબિટિસનું પ્રમાણે 7 ટકાથી વધીને 14 ટકા પર પહોંચ્યું છે. ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ડાયાબિટિસના દર્દીઓમાં મોટો વધારો જોવા મળ્યો છે.
વર્ષ 2022ના આંકડા પ્રમાણે વિશ્વમાં ડાયાબિટિસથી પીડાતા 25 ટકા કરતાં વધુ એટલે કે 212 મિલિયન દર્દી ભારતમાં છે. 148 મિલિયન સાથે બીજા ક્રમે ચીન જ્યારે અમેરિકામાં 42 મિલિયન ડાયાબિટિસના દર્દી અને પાકિસ્તાનમાં 36 મિલિયન દર્દી છે. ઇન્ડોનેશિયામાં 25 મિલિયન અને બ્રાઝિલમાં 22 મિલિયન લોકો ડાયાબિટિસથી પીડિત છે.
જી-7 દેશોમાં ડાયાબિટિસના દર્દીના મામલામાં 12.5 ટકા વસતી સાથે અમેરિકા પ્રથમ સ્થાને છે. બીજા ક્રમે રહેલા યુકેમાં 8.8 ટકા વસતી ડાયાબિટિસથી પીડિત છે. જેની સરખામણમીમાં ફ્રાન્સ, ડેન્માર્ક, સ્પેન, ,સ્વિત્ઝર્લેન્ડ અને સ્વીડનમાં 2થી 4 ટકા મહિલા જ્યારે ડેન્માર્ક, ફ્રાન્સ, યુગાન્ડા, કેન્યા, મલાવી, સ્પેન અને રવાન્ડામાં 3થી 5 ટકા પુરુષ ડાયાબિટિસથી પીડાય છે.