કોર્નવોલ,લંડનઃ વિશ્વના સૌથી ધનવાન સાત લોકતાંત્રિક દેશો (જી-૭)એ ચીનના વધતા પ્રભુત્વ સામે એક થઈ ચીનને મોટો ફટકો આપવાની તૈયારી કરી છે. ઈંગ્લેન્ડના કોર્નવાલમાં થયેલા ત્રિદિવસીય જી-૭ શિખર પરિષદના સમાપને ચીનની વિશ્વને આવરી લેતી ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ- BRI)’ યોજના વિરુદ્ધ જી-૭ દેશોએ ‘બિલ્ડ બેક બેટર વર્લ્ડ (B3W)’ યોજનાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી રોષે ભરાયેલા ચીને જી-૭ જૂથના મુઠ્ઠીભર દેશ આખી દુનિયા પર રાજ નહિ કરી શકે તેવી ચીમકી પણ આપી હતી. જી-૭ સંમેલનમાં દુનિયામાં રસીકરણ, ક્લાઈમેટ ચેન્જ રોકવા માતબર ભંડોળ અને ટેક્નોલોજી આપવાની ખાતરીઓ પણ ઉચ્ચારાઈ હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી કોરોના વેક્સિનને પેટન્ટ ફ્રી કરવાની તરફેણ કરવા ઉપરાંત, ‘‘વન અર્થ, વન હેલ્થ’નો મહામંત્ર’ આપ્યો હતો.
ગરીબ દેશો માટે $૪૦ ટ્રિલિયનની માળખાકીય સહાય
યુએસ પ્રમુખ જો બાઈડેને જી-૭ બેઠકમાં ૨૦૩૫ સુધીમાં ૪૦ ટ્રિલિયનની ડોલરના ખર્ચે ગરીબ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનો ‘બિલ્ડ બેક બેટર વર્લ્ડ B3W’ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંમેલન સમાપનના દિવસે જી-૭ દેશો એટલે કે અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની, ઈટાલી, ફ્રાંસ અને જાપાને ચીનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ, વન રોડ વિરુદ્ધ નવો પ્રોજેક્ટ લૉન્ચ કરીને ડ્રેગન વિરુદ્ધ રણશિંગુ ફૂંકી દીધું છે.
જી-૭ જૂથના દેશોએ મોટા વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન મારફત ચીનના બેલ્ટ એન્ડ રોડ પહેલનો સામનો કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ચીને પોતાની કનેક્ટિવિટી યુરોપ સુધી વધારવા ૨૦૧૩માં OBOR પ્રોજેક્ટની શરુઆત કરી હતી. ઘણા દેશને લોન આપીને ચીને આ પ્રોજેક્ટમાં સામેલ કરી લીધા છે. દક્ષિણ એશિયામાં ભુતાન અને ભારત સિવાય તમામ દેશોએ આમાં ભાગ લીધો હતો. ચીન BRI યોજના મારફત ગરીબ અને નાના દેશોને વિકાસનું સપનું બતાવી પોતાની લોનજાળમાં ફસાવી રહ્યું છે ત્યારે વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફત જી-૭ દેશો વિકાસશીલ દેશોની મદદ કરવાની સાથે શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટને પણ ફટકો પહોંચાડવા માગે છે.
દુનિયાની ૪૦ મિલિયન યુવતીને શિક્ષિત કરવાનું લક્ષ્ય
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે, જી-૭ દેશોએ દુનિયાની ૪૦ મિલિયન યુવતીઓને સ્કૂલ પહોંચાડવા અને તેમને શિક્ષિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેના માટે જી-૭ નેતાઓ ગ્લોબલ પાર્ટનરશિપ કરીને ભંડોળ ભેગું કરશે. આ માટે બ્રિટન ૪૩૦ મિલિયન પાઉન્ડ (આશરે રુપિયા ૪૪૪૨ કરોડ) દાન કરશે. જ્હોન્સને કહ્યું હતું કે, આજે પણ અસંખ્ય મહિલાઓ શિક્ષણથી દૂર છે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન છે.
ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા પર ભાર
ત્રિદિવસીય બેઠકમાં ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા પર પણ ભાર મૂકાયો છે. બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે, વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં બ્રિટનનો હિસ્સો ૨૦ ટકા છે. આ સપ્તાહના અંતથી ક્લાઈમેટ ચેન્જ વિરુદ્ધની લડાઈ શરૂ થશે. તેમાં જી-૭ દેશો મહત્ત્વની ભૂમિકા ભજવશે. ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા જી-૭ સભ્ય દેશોએ સંકલ્પ કર્યો છે અને વિકાસશીલ દેશોને પણ તેઓ અપીલ કરશે.