લંડનઃ વર્ષ 2024ના જીસીએસઇના પરિણામ ગયા ગુરુવારે જાહેર થયાં હતાં. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટોપ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જીસીએસઇની પરીક્ષામં 21.8 ટકા વિદ્યાર્થીઓને ટોપ ગ્રેડ 7 અથવા તો એ ગ્રેડ હાંસલ થયાં હતાં. ગ્રેડ 1 અથવા તો જી મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 97.9 ટકા રહી હતી. આ વખતે જીસીએસઇ પરીક્ષા આપનારા વિદ્યાર્થીની સંખ્યા 6.1 મિલિયન રહી હતી જે ગયા વર્ષી સરખામણીમાં 4.8 ટકાનો વધારો દર્શાવે છે.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મે સોશિયલ મીડિયા પોસ્ટમાં પરિણામ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, તમે અદ્વિતિય કામગીરી કરી છે. હું શિક્ષણની શક્તિને જાણું છું. મારી સરકાર દરેક વિદ્યાર્થીની કુશળતા, તાલંત અને મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખીને પગલાં લેવા પ્રતિબદ્ધ છે.
સ્કૂલ મિનિસ્ટર કેથેરાઇન મેકકિનેલે જણાવ્યું હતું કે હું વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેમની સિદ્ધી માટે અભિનંદન પાઠવું છું. તેમણે છેલ્લા કેટલાંક વર્ષમાં ઘણા પડકારોનો સામનો કરીને આ સિદ્ધી હાંસલ કરી છે.
આ વર્ષે પ્રાઇવેટ અને સરકારી શાળાઓના ટોપ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં તફાવત વધ્યો હતો. પ્રાઇવેટ શાળાઓના 48.4 ટકા વિદ્યાર્થીએ અને સરકારી શાળાના 19.4 ટકા વિદ્યાર્થીએ ગ્રેડ 7 હાંસલ કર્યો હતો. જે 29 ટકાનો તફાવત દર્શાવે છે. ગયા વર્ષે આ તફાવત 28.2 ટકા રહ્યો હતો.
ટોપ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓના મામલામાં લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ અન્ય વિસ્તારોની સરખામણીમાં અગ્રેસર રહ્યાં હતાં. લંડનમાં 28.5 ટકા અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડના 24.7 ટકા વિદ્યાર્થીઓએ ગ્રેડ 7 હાંસલ કર્યાં હતાં. સૌથી ઓછા ટોપ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં રહ્યાં હતાં.