લંડનઃ જીસીએસઇ ઇંગ્લિશની પરીક્ષાના મૂલ્યાંકનની વિશ્વસનિયતા પર શંકા વ્યાપક બની છે. શાળાઓમાં ઇંગ્લિશમાં સારા ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના પરિણામ ધારણા કરતાં ઓછા આવ્યા છે. પુનઃમૂલ્યાંકન બાદ તેમના ગુણમાં નોંધપાત્ર વધારો થયો હતો. કેટલાક કિસ્સામાં તો સવાલ ઉઠાવનારા વિદ્યાર્થીઓના ગુણ બમણા થયાં હતાં. એક વિદ્યાર્થીનો ગ્રેડ 6થી વધીને 9 પર પહોંચી ગયો હતો.
ઇંગ્લિશ એન્ડ મીડિયા સેન્ટરના ડિરેક્ટર એન્ડ્રુ મેકકુલમે જણાવ્યું હતું કે, આ વર્ષે અમને ઇંગ્લિશમાં જીસીએસઇના મૂલ્યાંકન સામે સૌથી વધુ ફરિયાદો મળી છે. શિક્ષકોએ ફરિયાદ કરી છે કે અમારા સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓને ધાર્યા કરતાં ઘણા ઓછા ગુણ મળ્યાં છે. ઘણા વિદ્યાર્થીઓના ગુણમાં પુનઃમૂલ્યાંકન બાદ વધારો નોંધાયો છે.
ચિંતાની વાત તો એ છે કે તમામ વિદ્યાર્થી પુનઃમૂલ્યાંકનની માગ કરતા નથી કારણ કે જો પુનઃમૂલ્યાંકનમાં ગ્રેડમાં બદલાવ ન થાય તો વિદ્યાર્થીએ 42 પાઉન્ડ ચૂકવવાના રહે છે. જીસીએસઇ ડ્રામાના પરિણામોમાં પણ ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી અને ઘણા વિદ્યાર્થીના ગુણમાં પુનઃમૂલ્યાંકન બાદ વધારો થયો હતો.