લંડનઃ જુનિયર ડોક્ટરોની એનએચએસના ઇતિહાસની સૌથી લાંબી હડતાળનો અંત આવી ગયો છે. જુનિયર ડોક્ટરોએ સરકાર દ્વારા કરાયેલી પગારવધારાની ઓફર સ્વીકારી લીધી છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશને જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2022થી પગાર કાપના એક દાયકા કરતાં જૂના વિવાદનો સામનો કરી રહેલા 66 ટકા જુનિયર ડોક્ટરોએ સરકાર દ્વારા કરાયેલી પે ઓફરની તરફેણમાં મતદાન કર્યું હતું.
એસોસિએશને જણાવ્યું હતું કે જુનિયર ડોક્ટરોને આગામી બે વર્ષના સમયગાળામાં 22.3 ટકાનો પગારવધારો અપાશે. જુનિયર ડોક્ટરો વધારાના કલાકો કામ કરે તે અંગે એસોસિએશન સાથે મળીને સરકાર કોઇ નિર્ણય લેશે.
જુનિયર ડોક્ટર કમિટીના રોબર્ટ લૌરેનસન અને વિવેક ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ નિર્ણય લેવામાં આટલો સમય લાગવો જોઇતો નહોતો પરંતુ અમે પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું અને સરકારે પણ સહકાર આપ્યો જેથી પગાર વધારાનો માર્ગ કંડારી શકાય.
જુનિયર ડોક્ટરો દ્વારા છેલ્લા બે વર્ષથી પગાર વધારાની માગ કરાતી હતી. તેમની હડતાળોના કારણે એનએચએસની કામગીરી અને દર્દીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ પગાર વધારાના પગલે એનએચએસમાં ફાઉન્ડેશન ટ્રેનિંગનો પ્રારંભ કરનાર જુનિયર ડોક્ટરનો બેઝિક પગાર 32,400 પાઉન્ડથી વધીને 36,600 પાઉન્ડ થશે.