લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે રવાન્ડા સ્કીમ પડતી મૂક્યા બાદ રાજ્યાશ્રયનો ઇનકાર કરાયો હોય તેવા રેકોર્ડ સંખ્યામાં માઇગ્રન્ટસને દેશનિકાલ કરવા પર ભાર મૂક્યો છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર જુલાઇમાં સત્તામાં આવ્યા બાદ સરકારે 16400 ઇમિગ્રન્ટ અપરાધી અને વિદેશી અપરાધીને દેશનિકાલ કર્યાં છે. 2018 પછી 6 મહિનાના સમયગાળામાં દેશનિકાલ કરાયેલા વિદેશીઓની આ રેકોર્ડ સંખ્યા છે.
વડાપ્રધાન સ્ટાર્મરનું માનવું છે કે રવાન્ડા સ્કીમ કરતાં દેશનિકાલ વધુ સારી સુવિધા છે. તેના કારણે સરકારી તિજોરી પરનો બોજો ઘણો ઓછો થયો છે. રવાન્ડામાં 300 લોકોને ખસેડવાનો ખર્ચ 600 મિલિયન પાઉન્ડ પડ્યો હોત.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, જો તમે ગેરકાયદેસર રીતે યુકેમાં આવો છો તો તમે તમારા નાણાનો બગાડ કરી રહ્યાં છો. જો તમે ગેરકાયદેસર રીતે યુકેમાં આવશો તો તમે જયાંથી આવ્યા છો ત્યાં પાછા ધકેલી દેવાશે. યુકેમાં વસવાટ ન કરી શકે તેવા લોકોને રેકોર્ડ સંખ્યામાં દેશનિકાલ કરાયાં છે તે જાણીને મને ઘણી ખુશી થઇ છે.