લંડનઃ જેરેમી કોર્બીન લેબર પાર્ટીના નેતાપદે હતા તે સમયગાળામાં પાર્ટીમાં પ્રવર્તતા એન્ટિ-સેમિટિઝમ (યહુદીવિરોધવાદ) મુદ્દે ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન (EHRC)ના વિસ્ફોટક રિપોર્ટ બાબતે આપેલા પ્રત્યાઘાત બદલ કોર્બીનને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. લાંબા સમયથી રાહ જોવાતી હતી તે EHRCની ઈન્ક્વાયરી પૂર્ણ થયા પછી લેબર પાર્ટીને ‘ગેરકાયદે કૃત્ય નોટિસ’ બજાવવામાં આવી છે. EHRCના રિપોર્ટમાં લેબર પાર્ટીને હેરાનગતિ અને ભેદભાવના ગેરકાયદે કૃત્યો માટે જવાબદાર ઠેરવાઈ હતી. ઈક્વલિટીઝ વોચડોગે પાર્ટી સામે ઈક્વલિટીઝ એક્ટ ૨૦૧૦ની ત્રણ જોગવાઈના ભંગનો આરોપ લગાવ્યો હતો જેનો સંબંધ, એન્ટિ-સેમિટિઝમ ફરિયાદોમાં રાજકીય હસ્તક્ષેપ, એન્ટિ-સેમિટિઝમ ફરિયાદો હાથ ધરનારાને પૂરતી ટ્રેનિંગ આપવામાં નિષ્ફળતા અને કનડગત-હેરાનગતિ સાથે હતો. જોકે, પ્રત્યાઘાત આપતા પૂર્વનેતા કોર્બીને કહ્યું હતું કે તેઓ EHRCના તમામ તારણોને સ્વીકારતા નથી. તેમણે દાવો કર્યો હતો કે લેબર પાર્ટીમાં એન્ટિ-સેમિટિઝમ સમસ્યાને રાજકીય કારણોસર નાટ્યાત્મકપણે મોટું સ્વરુપ આપીને ચગાવાઈ હતી.
પાર્ટીમાં ખળભળાટ અને વિભાજનની અફવાઓ
લેબર પાર્ટી એન્ટિ-સેમિટિઝમ મુદ્દે ભેદભાવ અને હેરાનગતિ માટે જવાબદાર હોવાના ઈક્વલિટી વોચડોગના રિપોર્ટના પગલે પાર્ટીના પૂર્વનેતા જેરેમી કોર્બીને કરેલી ટીકાને અયોગ્ય ગણાવી પાર્ટીના જનરલ સેક્રેટરી ડેવિડ ઈવાન્સ અને ચીફ વ્હિપ નિક બ્રાઉન દ્વારા કોર્બીનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજકીય વિરોધીઓ અને મીડિયા દ્વારા પાર્ટીમાં યહુદીવિરોધવાદને વધુપડતો ચગાવાયો હોવાની કોર્બીનની ટીપ્પણીએ પક્ષમાં ભારે આંચકા સર્જ્યા હતા અને પક્ષમાં વિભાજનની અફવાઓ વહેતી થઈ હતી. રિપોર્ટ જાહેર થયો તે અગાઉ બુધવારે રાત્રે કોર્બીન અને સ્ટાર્મર વચ્ચે વાતચીત થઈ હતી અને કોર્બીન સામે કોઈ પગલાં નહિ લેવાય તેવી હૈયાધારણ અપાઈ હતી પરંતુ, કોર્બીનની ટીપ્પણીએ ચિત્ર બદલી નાખ્યુ હતું.
લેબર પાર્ટીના પૂર્વનેતા અને ૧૯૮૩થી હાઉસ ઓફ કોમન્સમાં ઈઝ્લિંગ્ટન નોર્થનું પ્રતિનિધિત્વ કરતા કોર્બીન પક્ષની આંતરિક તપાસ ચાલશે ત્યાં સુધી સ્વતંત્ર સાંસદ તરીકે રહેશે. લેબર પાર્ટીના નિયમો અનુસાર સસ્પેન્ડ કરાયેલા સભ્યને કોઈ પણ સ્તરે અને કોઈ પણ હોદ્દે પક્ષના પ્રતિનિધિ તરીકે આગળ મૂકી શકાય નહિ. પીઢ લેબર સાંસદ અને પૂર્વ ડેપ્યુટી નેતા હેરિયટ હરમાન અને યહુદી લેબર સાંસદ ડેમ માર્ગારેટ હોજે સસ્પેન્શનના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. બીજી તરફ, કોર્બીનના ગાઢ રાજકીય સાથી અને તેમના નેતાપદના સમયમાં શેડો ચાન્સેલર રહેલા જ્હોન મેક્ડોનેલે સસ્પેન્શનનો નિર્ણય કસમયનો ગણાવી સસ્પેન્શન ઉઠાવી લેવા નેતાગીરીને અનુરોધ કર્યો હતો.
કોર્બીનની પાર્ટીમાંથી હકાલપટ્ટી થઈ શકે
રોષે ભરાયેલા લેબરનેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું છે કે પૂર્વ નેતા જેરેમી કોર્બીનની લેબર પાર્ટીમાંથી હકાલપટ્ટી થઈ શકે છે. ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન (EHRC)ના આંચકાજનક રિપોર્ટમાં જણાવાયું છે કે લેબર પાર્ટી હેરાનગતિ અને ભેદભાવના ગેરકાયદે કૃત્યો માટે જવાબદાર હતી. જોકે, કોર્બીને ઈક્વલિટી વોચડોગના કેટલાક તારણોને ફગાવી દેતા એવો દાવો કર્યો હતો કે તેમના ટીકાકારોએ રાજકીય કારણોસર આ મુદ્દાને વધુપડતો ચગાવ્યો હતો. આ રિપોર્ટના પરિણામે, કોર્બીનને પક્ષીય તપાસ ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયા હતા.
સર સ્ટાર્મરે શુક્રવારે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો હતો કે આ તપાસના પરિણામરુપે તેમના પુરોગામીને પક્ષમાંથી હાંકી કઢાય તેમ પણ બની શકે છે. સર સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અમારી પાર્ટીમાં સિવિલ વોર સર્જાવાને કોઈ કારણ નથી.’ જોકે, કોર્બીનને સસ્પેન્ડ કરવાના નિર્ણયથી પક્ષમાં નુકસાનકારી વિખવાદ વધી ગયો છે. કોર્બીનના સહયોગીઓએ સર કેરને ચેતવણી આપી હતી કે જેરેમીની પાછળ આખું સૈન્ય ખડું છે અને ઘણું કાનૂની ભંડોળ પણ છે. દરમિયાન, યુનાઈટ યુનિયનના વડા લેન મેકક્લુસ્કીએ નિર્ણયનો જોરદાર વિરોધ કરતા કહ્યું હતું કે વિભાજિત પાર્ટી નિશ્ચિત પરાજિત થશે.
બોર્ડ ઓફ ડેપ્યુટીઝ ઓફ બ્રિટિશ જ્યૂઝના પ્રેસિડેન્ટ મેરી વાન ડેર ઝીલે પૂર્વ લેબરનેતા કોર્બીનના સસ્પેન્શનનો નિર્ણય આવકાર્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના કો-ચેરમેન અમાન્ડા મિલિંગે ટ્વીટ કરીને આ નિર્ણયમાં આટલો વિલંબ શાથી થયો તેવો પ્રશ્ન કર્યો હતો.