જેરેમી કોર્બીન ભારે બહુમતીથી વિજયીઃ પાર્ટીએ ખોટા ઘોડા પર દાવ લગાવ્યો?

Wednesday 28th September 2016 06:51 EDT
 
 

લંડનઃ બ્રિટનની ૧૧૬ વર્ષ જુની લેબર પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં બળવાખોર ઓવેન સ્મિથને હરાવી જેરેમી કોર્બીન જંગી બહુમતીથી પુનઃ ચૂંટાઈ આવ્યા છે. સત્તાવાર વિપક્ષના નેતા કોર્બીનની નીતિઓ તેમજ નબળા પોલ રેટિંગ્સ અને ૨૦૨૦ની સામાન્ય ચૂંટણીમાં વિજય અપાવી શકવાની ક્ષમતા અંગે પાર્ટીના સાંસદોમાં ઘોર નિરાશા પ્રવર્તતી હોવાં છતાં સામાન્ય સભ્યોએ કોર્બીનમાં વિશ્વાસ દર્શાવ્યો છે અને તેમને લગભગ ૬૨ ટકા મત મળ્યા હતા, જ્યારે પ્રતિસ્પર્ધી ઓવેન સ્મિથને ૩૮ ટકાથી થોડાં જ વધુ મત મળ્યા છે. ગત સપ્ટેમ્બર ૨૦૧૫ની ચૂંટણીમાં કોર્બીનને ૫૯.૫ ટકા મત મળ્યા હતા.

કોઈ પણ રમતમાં જીતવું સારું છે પરંતુ લડાઈ જીતીને યુદ્ધ હારવું બરાબર નથી અને યુદ્ધ તો ૨૦૨૦ની સામાન્ય ચૂંટણીનું છે. કોર્બીનના નેતૃત્વમાં પાર્ટી ફરી શાસનમાં આવી શકશે? આ યક્ષપ્રશ્ન છે. ટોની બ્લેરના વડપણમાં પાર્ટી સતત ત્રણ ચૂંટણી જીતી હતી, તેનું પુનરાવર્તન થઈ શકશે? એક પ્રબળ લાગણી એવી પ્રવર્તે છે કે લેબર પાર્ટીએ ખોટા નેતાની પસંદગી કરી ખોટા ઘોટા પર દાવ લગાવ્યો છે. કોર્બીનના વિજયનું હાસ્ય અલ્પજીવી નીવડે તેવી શક્યતા વધુ છે.

લેબર પાર્ટી કોર્બીનની નબળી નેતાગીરી હેઠળ પછડાટ થઈ રહી છે અને મતદારો સાથે સંપર્ક જાળવવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે કોર્બીન ફરી ચૂંટાયા તે લેબરના કોફીનમાં છેલ્લા ખીલા સમાન બની રહેશે. આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીનો કરૂણ રકાસ થશે, તેમ સૂચવતાં અનેક પુરાવા અથવા અભિપ્રાય મતદારો જોવા મળે છે. લેબર સમર્થકો કહે છે કે કોર્બીની નેતાગીરીમાં આગામી સામાન્ય ચૂંટણી જીતવી મુશ્કેલ છે. જુલાઈમાં સ્કાયન્યૂઝ ડેટા ટીમ દ્વારા કરાયેલા પોલમાં ૫૯ ટકા સમર્થકોએ આમ જણાવ્યું હતું. માત્ર ૩૨ ટકાએ કોર્બીનની તરફેણ કરી હતી. આ જ પોલમાં એવું તારણ હતું કે સ્મિથ સામે કોર્બીનનો વિજય થશે તો પક્ષમાં ભંગાણ થવાની શક્યતા ૫૯ ટકાએ દર્શાવી હતી. જ્યારે ૨૭ ટકા એ તેને અશક્ય ગણાવ્યું હતું. આનાથી પણ ખરાબ આગાહીમાં ૪૫ ટકાએ કહ્યું હતું કે લેબર પાર્ટી હવે કોઈપણ સામાન્ય ચૂંટણી જીતે તેવી શક્યતા નથી. જ્યારે ૪૪ ટકાએ આવી શક્યતા દર્શાવી હતી. ‘ધ ઈન્ડીપેન્ડન્ટ’ દ્વારા ComRes’ પોલમાં જણાયું હતું કે કોર્બીનની સરખામણીએ સ્મિથ સામાન્ય ચૂંટણી જીતવાની વધુ તક ધરાવે છે. સામાન્ય પબ્લિકે સ્મિથને ૩૮ ટકા મત આપ્યા હતા જ્યારે કોર્બીનને ૩૧ ટકા મળ્યાં હતાં. યુગવ પોલ અનુસાર અર્થતંત્રના મોરચે લેબર પાર્ટી પૂરતી સક્ષમ નથી.

કોર્બીનના અભૂતપૂર્વ વિજય પછી તમામ બાજુએથી એકતાના હાકલો થયાના ૨૪ કલાકમાં યુદ્ધરેખાઓ અંકાઈ ગઈ છે. શાંતિ અને સમાધાનની કિંમતરુપે શેડો કેબિનેટની રચનામાં પોતાનો અવાજ ઈચ્છતા વિરોધીઓને ધરાર અવગણી કોર્બીન આ મુદ્દે આગળ વધી પક્ષની રુલિંગ એક્ઝિક્યુટિવ પર પોતાનો અંકુશ મજબૂત બનાવી શકે છે. કોર્બીને સંકેત આપ્યો છે કે કેટલાક સાંસદો ડીસિલેક્ટ થઈ શકે છે. શેડો કેબિનેટના સભ્યો ચૂંટવાની તક આપવાની યોજનાને કોર્બીને અભરાઈએ ચડાવી દીધી છે. ટોમ વોટસનની આ યોજના પર હવે ૨૨ નવેમ્બર વિચારણા થશે ત્યાં સુધીમાં તો શેડો કેબિનેટ રચાઈ ગઈ હશે.

કોર્બીનની નેતાગીરીમાં લેબર પાર્ટીમાં ભાગલા પડવાનો મોટો ભય છે, છતાં મોટા ભાગના સાંસદો આમ થવાનું નકારે છે. જો કોર્બીનના વિરોધીઓ પક્ષ છોડે તો કોર્બીન સમર્થકોથી તેમની સંખ્યા વધુ જ હશે પરંતુ, વર્કિંગ ક્લાસના હિતોની રક્ષા માટે સ્થપાયેલી ૧૧૬ વર્ષ જૂની પાર્ટીની બ્રાન્ડ તેમજ તેના પ્રચારમાળખાનો લાભ તેમને મળશે નહિ. બીજા વિરોધીઓ પણ હવે સમાધાનનો સૂર કાઢી રહ્યા છે. કોર્બીનના સમર્થક સાંસદોએ વિરોધીઓને પરિણામ સ્વીકારી લેવા હાકલ કરી છે.

સાંસદોના તીવ્ર વિરોધ છતાં કોર્બીન વિક્રમી મત મેળવી શક્યા છે અને તેમના નેતૃત્વમાં લેબર પાર્ટીએ ૬૦૦,૦૦૦થી વધુ સભ્યો સાથે પશ્ચિમ યુરોપની સૌથી મોટી રાજકીય પાર્ટીનું સ્થાન હાંસલ કર્યું છે. બ્રિટને જૂન રેફરન્ડમમાં યુરોપિયન યુનિયન છોડવા નિર્ણય લીધા પછી સંખ્યાબંધ સાંસદોએ કોર્બીનની શેડો કેબિનેટ છોડી હતી. ઈયુમાં રહેવા માટે કોર્બીનનું પ્રચાર અભિયાન તદ્દન નબળું અને ચમકારા વિનાનું હતું. ઐતિહાસિક જનમત પહેલા જ તેઓ રજા પર ચાલી ગયાનું પણ કહેવાયું હતું, જેનો તેમણે પાછળથી ઈનકાર કર્યો હતો. ઈયુમાં રહેવાની લેબર પાર્ટીની સત્તાવાર નીતિ અંગે કોર્બીનની પ્રતિબદ્ધતા અંગે શંકા સર્જાઈ હતી. કોર્બીને નેતાપદ સંભાળ્યા પછી પાર્ટીના પોલ રેટિંગમાં પણ ઘટાડો થયો હતો. આ કારણોસર ૧૭૨ સાંસદોએ જુલાઈમાં કોર્બીન વિરુદ્ધ અવિશ્વાસ ઠરાવમાં મત આપ્યો હતો અને માત્ર ૪૦ સાંસદ તેમની સાથે રહ્યા હતા.

નેતાપદની ચૂંટણીના પરિણામથી પાર્લામેન્ટરી લેબર પાર્ટીમાં વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે. કોર્બીનની ટીકા કરનારા સાંસદોએ તેમની નવી શેડો કેબિનેટમાં રહેવું કે નહિ તેનો નિર્ણય લેવો પડશે. ઓવેન સ્મિથે તો શેડો કેબિનેટમાં સ્થાનની કોઈ ઓફર સ્વીકારવા ઈનકાર કરી દીધો છે. હજુ કેટલાક સાંસદો પાર્ટીના નિયમો અનુસાર દર વર્ષે કોર્બીનના નેતાપદને પડકારવાની વાતો કરી રહ્યા છે. જોકે, ઘણા સાંસદો આને પાર્ટી માટે પ્રતિકૂળ ગણાવી રહ્યા છે. બળવા સુધી હાઉસ ઓફ કોમન્સમાં શેડો લીડર ક્રિસ બ્રાયન્ટના મતે હવે કન્ઝર્વેટિવ્ઝનું પ્રભુત્વ એક દાયકા સુધી તો રહેશે. તેમણે નેતાપદની વાર્ષિક સ્પર્ધાઓ પોસાય તેવી ન હોવાનું જણાવ્યું હતું કારણકે દરેક સ્પર્ધકે એક મિલિયન પાઉન્ડ જેટલો ખર્ચ કરવો પડે છે.

લેબર પાર્ટીની પૂર્વ શિક્ષણ પ્રવક્તા લ્યુસી પોવેલ કહે છે કે, સામાન્ય ચૂંટણીમાં કોર્બીનનો પરાજય પાર્ટીના કટ્ટર ડાબેરી વિચારકોને ૩૦-૪૦ વર્ષ પાછળ ધકેલી દેશે. યુકેમાં દર પાંચ વર્ષે સંસદીય ચૂંટણી યોજાય છે છતાં, વડા પ્રધાન સાદી બહુમતી સાથે તત્કાળ ચૂંટણી જાહેર કરી શકે છે અને ૧૪ દિવસમાં વૈકલ્પિક સરકાર ન રચાય તો ચૂંટણી કરવી પડે છે. બ્રાયન્ટે કહ્યું હતું કે સંસદીય ગણિત ધ્યાનમાં લઈ નવા વડા પ્રધાન થેરેસા મે વૈકલ્પિક સરકાર રચાવાનું જોખમ લેશે નહિ. જો તેઓ અત્યારે ચૂંટણી જાહેર કરે તો નોંધપાત્ર બહુમતી વધારી શકે છે અને તેમને ૨૦૨૦ સુધી રાહ જોવી નહિ પડે. કોર્બીનની સફળતા ૨૦૨૦ પહેલા જ ખલાસ થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter