લેબર પાર્ટીના નેતા તરીકે જેરેમી કોર્બીન ફરી ચૂંટાઈ આવે તેવા પરિણામની આશા પક્ષના મવાળવાદીઓને ન હતી. પહેલી નજરે તો લેબર પાર્ટી સામાજિક ન્યાય પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે આર્થિક વિશ્વસનીયતાને સાંકળતા એજન્ડા તરફ પાછા ફરવાની તકની મોટી પીછેહઠ હતી. જે એજન્ડા થકી ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં વિજય અને સખત પરિશ્રમનું મૂલ્ય સમજવા સાથે વધુ ઉપજાઉ અર્થતંત્રે વધુ ન્યાયસંગત બની રહેવું જોઈએ તેમ માનતા ઘણા લોકોનું સમર્થન હાંસલ થયું હતું.
જોકે, આ વિજય પછી, કોર્બીને જણાવ્યું હતું કે તેઓ પોતાના વિરોધીઓ તરફ હાથ લંબાવવા માગે છે અને નેતાપદના કડવાશપૂર્ણ અને વિભાજક અભિયાન પછી સ્લેટ કોરી દેવા ઈચ્છે છે. આનાથી, મને આશાનું કિરણ દેખાયું છે.
એક સમયે ‘મૂડીવાદને ઉખાડી ફેંકવા’ ઈચ્છતા શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોનેલ પણ હવે કહે છે કે તેઓ ‘એન્ટ્રેપ્રીન્યોરલ સ્ટેટ’ ઈચ્છે છે. ઘણા ધંધાદારી લોકોને તેમની સમાજવાદી આર્થિક નીતિની સંકોચહીન હિમાયત અને પ્રતિ કલાક ૧૦ પાઉન્ડના લઘુતમ વેતનના વચનની કિંમત બાબતે ચિંતા થાય છે. પરંતુ, જો તેઓ ખરેખર લઘુ બિઝનેસીસ અને નવા ઉદ્યોગોને ઉત્તેજન આપવા ઈચ્છતા હોય તો તેમની સાથે કામ કરવાનું એક સારું કારણ મળી રહે છે.
કોર્બીનના આલોચકો કહે છે કે તેમને લોકો સુધી પહોંચવાના ઠાલા હુંફાળા શબ્દો નહિ, નક્કર કાર્ય જોઈએ છે. કોર્બીન પોતાની ભૂલોમાંથી શીખ્યા હોવાની સાબિતી જોઈએ છે.
લંડનના મેયરપદના સફળ અભિયાનમાં જેમના માટે સમર્થન અને કામ કરવાનું મને ગૌરવ છે તેવા સાદિક ખાને ચેતવણી આપી છે કે જો કોર્બીન હવે કામ કરીને નહિ બતાવે તો પાર્ટી એક પેઢી સુધી તો સત્તાથી વિમુખ થઈ જશે અને તેમાં ભંગાણ પણ પડી શકે છે. તેઓ સાચા છે. ઘણુ બધુ દાવ પર મૂકાયું છે.
સમસ્યાના ઉદાહરણ તરીકે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીની જ વાત કરીએ. ઘણા લાંબા સમયથી, કોર્બીન નેતા બન્યા તેની પણ પહેલા, ઘણા લોકોની લાગણી એવી હતી કે લેબર પાર્ટી તેમના મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતી નથી. પાયાના સ્તરે ઘણી વખત એમ પણ લાગતું હતું કે પાર્ટી મુસ્લિમ, ખાસ કરીને પાકિસ્તાની કોમ્યુનિટી તરફ હાથ લંબાવે છે અને તે પણ એટલી હદે કે જો તમે ભારતીય અને હિન્દુ હો તો તમને નજરઅંદાજ કરાતા હોવાની લાગણી થાય.
ગયા વર્ષ દરમિયાન, મેં મારી ચિંતા પ્રત્યક્ષપણે તત્કાલીન શેડો ફોરેન સેક્રેટરી હિલેરી બેન અને કોર્બીનની ટીમના વરિષ્ઠ સભ્યો સમક્ષ દર્શાવી હતી. બ્રિટિશ ભારતીયોનો રાજકીય સમર્થનનો ઝોક લેબર પાર્ટી તરફથી ટોરી પાર્ટી તરફ વધતો હોવાના આંકડા પણ તેમને દર્શાવ્યા હતા. મેં એક અગ્રણી લેબર નેતા સાથેની વાતચીત પણ જણાવી હતી, જેમાં તેમણે મને કહ્યું હતું કે ભારતીયો ધનવાન હોવાથી જ ટોરીને મત આપે છે. પાર્લામેન્ટના બન્ને ગૃહોમાં આપણી પાર્ટીની સરખામણીએ ભારતીયોની સંખ્યા કન્ઝર્વેટિવ બેન્ચીઝ પર વધુ હોવાનું પણ મેં દર્શાવ્યુ હતું.
શું આ સંદેશો કોર્બીન સુધી પહોંચ્યો હશે? મને ખબર નથી. પરંતુ, હું એટલું તો જાણું છું કે જો તેઓ હાથ લંબાવવા બાબતે તૈયાર હોય તો તેની શુભ શરૂઆત આપણી કોમ્યુનિટીથી કરીને પોતાની નિષ્ઠા દર્શાવી શકે છે. આપણી સાથે વિશેષ વ્યવહાર થાય તેમ આપણે માગતા નથી પરંતુ તે આપણી માગણીઓની કદર કરે તેમ જ ઈચ્છીએ છીએ. આ માગણીઓ પણ શું છે- સખત મહેનતનું વળતર, જેઓ સફળતા મેળવે છે તેમને દંડાત્મક નહિ પણ વાજબી ટેક્સેશન, આપણા બાળકો માટે સાચી તક. આ બધા મૂલ્યોમાં લેબર પાર્ટી હવે તેમના માટે અવાજ ઉઠાવતી નથી તેઓ જ નહિ, તમામ આસ્થાના લાખો લોકો સહભાગી છે.
જેરેમી કોર્બીન અત્યારે તેમની અભૂતપૂર્વ સફળતાનો આનંદ માણી રહ્યા છે અને આમ કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર પણ છે. પરંતુ, જો તેઓ લેબર પાર્ટીની સફળતા ઈચ્છતા હોય તો તેમણે એ દર્શાવવું જ રહ્યું કે તેઓ બ્રિટન સફળ થાય તેમ ઈચ્છે છે. હવે તેઓ શેની રાહ જોઈ રહ્યા છે?
(મનોજ લાડવા ઈન્ડિયન્સ ફોર લેબરના અધ્યક્ષ છે અને નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ યુકેના સ્થાપક સભ્ય અને પ્રથમ પ્રેસિડેન્ટ છે.)