જેરેમી કોર્બીને ઊંચા વેતન પર મર્યાદા અને ઈમિગ્રેશન મુદ્દાઓ પર ફેરવી તોળ્યું

Wednesday 18th January 2017 05:41 EST
 
 

લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ઊંચુ વેતન મેળવનારા માટે મહત્તમ મર્યાદા લાદવાની દરખાસ્ત કર્યાના ગણતરીના કલાકોમાં જ નાટ્યાત્મક પીછેહઠ કરી હતી. કોર્બીને તેમનો પક્ષ કંપની એક્ઝિક્યુટિવ્ઝ માટે ઊંચી વેતનમર્યાદા દાખલ કરશે તેમ જણાવ્યું હતું. બિઝનેસ અગ્રણીઓ અને આર્થિક નિષ્ણાતો દ્વારા તીવ્ર વિરોધ અને આના કારણે સ્માર્ટ લોકો સારા વેતનની શોધમાં દેશ છોડી જવાનું પસંદ કરશે તેવી દલીલો પછી કોર્બીને પીછેહઠ કરી હતી. તેમણે અસમાન વેતનનો મુદ્દો હલ કરવા ટેક્સ સિસ્ટમમાં ફેરફારનું સૂચન પણ કર્યું હતું. આ જ રીતે પાર્ટી યુકેમાં અનિયંત્રિત માઈગ્રેશનનો વિરોધ કરશે તેમ કહ્યાના ગણતરીના કલાકોમાં તેમણે મુક્ત અવરજવરના મુદ્દે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો.

કોર્બીને બીબીસી-૪ના ટુડે પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે કેટલીક કંપનીના માલિકો કે વડાઓ અને ફૂટબોલર્સને અપાતાં વેતન તદ્દન વાહિયાત હોય છે અને તેનો ઉકેલ વેતન પર અંકુશ મૂકવાનો જ છે. હું મહત્તમ કમાણી મર્યાદા હોય તેમ માનું છું. જોકે, આ દરખાસ્ત કર્યાના થોડાં કલાક પછી તેમણે પીટરબરામાં સંબોધન કર્યું ત્યારે તેમાં ભારે બદલાવ આવ્યો હતો. લેબર નેતાએ કહ્યું હતું કે સૌથી વધુ અને સૌથી ઓછું વેતન મેળવનારા વચ્ચે વેતનનો રેશિયો રાખવો વધુ સારું ગણાશે. આવો ગુણોત્તર રાખવાથી ઊંચા વેતન નીચે આવવાને ઉત્તેજન મળશે.

કોર્બીને કહ્યું હતું કે જો કંપનીઓ પબ્લિક સેક્ટરમાં કોન્ટ્રાક્ટ્સ મેળવવા ઈચ્છતી હોય તો તેના એક્ઝિક્યુટિવ્ઝે કંપનીમાં સૌથી ઓછું વેતન મેળવનાર કરતા ૨૦ ગણાથી વધુ કમાણી કરવી ન જોઈએ. તેમની પાર્ટી આ માટે આશરે ૩૫૦,૦૦૦ પાઉન્ડની મર્યાદા મૂકશે. નર્સીસ અથવા જાહેર ક્ષેત્રના અન્ય વર્કર્સ આખા વર્ષમાં જે કમાણી કરે છે તેટલી કમાણી કંપની બોસ થોડા દિવસોમાં કરે તે સૈદ્ધાંતિક રીતે અન્યાય છે. ઉલ્લેખનીય છે કે કોર્બીનની અંદાજિત વાર્ષિક કમાણી ૧૩૮,૦૦૦ પાઉન્ડ છે, જ્યારે બ્રિટનમાં સરેરાશ વાર્ષિક કમાણી ૨૭,૬૦૦ પાઉન્ડ છે.

કોર્બીનની ઠેકાણા વિનાની ઈમિગ્રેશન પોલિસી

લેબર પાર્ટી યુકેમાં અનિયંત્રિત માઈગ્રેશનનો વિરોધ કરશે તેમ કહ્યાના ગણતરીના કલાકોમાં નેતા જેરેમી કોર્બીને મુક્ત અવરજવરના મુદ્દે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. આમ, લેબર પાર્ટીની ઈમિગ્રેશન પોલિસીમાં કોઈ સ્પષ્ટતા ન હોવાનું પાર્ટીના ડેપ્યુટી લીડર ટોમ વોટસને પણ કહ્યું હતું. નવ જાન્યુઆરીએ કોર્બીને કહ્યું હતું કે તેમની પાર્ટી મુક્ત અવરજવરના બંધનમાં નથી અને યોગ્યપણે સંચાલન કરી શકાય તેવા માઈગ્રેશનની તરફેણ કરે છે. જોકે, ગત મંગળવારે કોર્બીનના સૂર બદલાઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી સિંગલ માર્કેટની સુવિધાના બદલામાં મુક્ત અવરજવરને યથાવત રાખવાનું નકારતી નથી. શેડો કેબિનેટના સભ્યો સાથે તડાફડીના પગલે માઈગ્રેશન મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની કોર્બીનને ફરજ પડી છે. મંગળવારે સવારે અનેક ઈન્ટરવ્યૂઝમાં કોર્બીને કહ્યું હતું કે તેઓ માઈગ્રેશન પર કોઈ મર્યાદા રાખવા માગતા નથી અને સિંગલ માર્કેટની સુવિધાના બદલામાં મુક્ત અવરજવરને સ્વીકારવા તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter