લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા 15મી માર્ચે રજૂ કરાયેલા બજેટને બેક ટુ વર્ક બજેટ તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે. જેરેમી હન્ટે તેમના સ્પ્રિંગ બજેટમાં યુનિવર્સલ ક્રેડિટના લાભ મેળવનારાઓને ચાઇલ્ડ કેર કોસ્ટમાં મદદ, આર્થિક રીતે નિષ્ક્રિય એવા લોકોને પાછા વર્કફોર્સમાં સામેલ કરવા, 50 વર્ષથી વધુ વયના લોકોને રિટર્નશિપ દ્વારા નોકરીઓમાં પાછા લાવવા, પેન્શન લાઇફટાઇમ એલાઉન્સની નાબૂદી દ્વારા કર્મચારીઓને વહેલા નિવૃત્ત થતા અટકાવવા જેવા પગલાં દ્વારા અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપવાનો પ્રયાસ કર્યો છે.
ચાન્સેલરે જણાવ્યું હતું કે, તેઓ કામ કરવા આડે આવતા તમામ અવરોધો દૂર કરવા માગે છે. તેઓ બીમારી અને વિકલાંગતાના કારણે વર્કફોર્સમાંથી બહાર થઇ ગયેલા 20 લાખથી વધુ આર્થિક રીતે નિષ્ક્રિય લોકોને વર્કફોર્સમાં સામેલ કરવા માગે છે. યુકેમાં 50 વર્ષથી વધુના 35 લાખ લોકો નિવૃત્તિની વય પહેલાં જ આર્થિક રીતે નિષ્ક્રિય છે. તેથી ડીડબલ્યુપી મિડલાઇફ સ્ટ્રેટેજીમાં 8000થી 40000 પાઉન્ડ પ્રતિ વર્ષના વધારાની જાહેરાત કરાઇ છે. 2024-25માં સ્કિલ બૂટકેમ્પ 8000 સ્થળ પ્રતિ વર્ષ વધારવામાં આવશ. હાલ દેશમાં 56000 સ્કિલ બૂટકેમ્પ કાર્યરત છે. તેમના દ્વારા કન્સ્ટ્રક્શન અને ટેકનોલોજી જેવા મહત્વના ક્ષેત્રોમાં લોકોને તાલીમબદ્ધ કરાશે. રિટર્નર્સશિપ દ્વારા આર્થિક રીતે નિષ્ક્રિય લોકોને પુનઃતાલીમબદ્ધ કરાશે.
આ યોજના દ્વારા 50 વર્ષથી વધુ વયના લોકોને તાલીમ અપાશે. તેના દ્વારા તમામ વયજૂથના કામદારો જિંદગીની બીજી કારકિર્દીની તકો પ્રાપ્ત કરી શકશે.
જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, યુનિવર્સલ ક્રેડિટના લાભાર્થીઓને તાલીમ અને નોકરીની તકો ઉપલબ્ધ કરાવીને વધુને વધુ લોકોને વર્કફોર્સમાં સામેલ કરી તેમની આવકમાં વધારો કરાશે. ચાન્સેલરે ચાઇલ્ડકેર સિસ્ટમમાં મોટા સુધારાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, એપ્રિલ 2024થી બે વર્ષના બાળક ધરાવતા માતાપિતાને પ્રતિ સપ્તાહ 15 કલાકની ચાઇલ્ડકેર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે. સપ્ટેંમ્બર 2024થી આ સુવિધા 9 માસના બાળક ધરાવતા માતાપિતાને પણ ઉપલબ્ધ કરાવાશે. સપ્ટેમ્બર 2025થી 9 માસથી મોટા તમામ બાળકોના યોગ્યતા ધરાવતા માતાપિતાને પ્રતિ સપ્તાહ 30 કલાક વિનામૂલ્યે ચાઇલ્ડ કેર ઉપલબ્ધ કરાવાશે. આ રીતે વધુ માતાપિતાઓને વર્કફોર્સમાં સામેલ કરી શકાશે. એડમિનિસ્ટ્રેટિવ અર્નિંગ થ્રેશહોલ્ડને વધારીને 15થી 18 કલાકને સમકક્ષ કરાશે. આ દાયરામાં આવતા દંપતિ પૈકીનો બીજો સભ્ય પણ હવે કામ કરી શકશે. આ પગલાના કારણે 1 લાખ કરતાં વધુ લાભાર્થીઓને વર્કફોર્સમાં સામેલ કરી શકાશે. ચાઇલ્ડ કેર સિસ્ટમમાં સુધારાના કારણે યુનિવર્સલ ક્રેડિટ પર રહેલા બાળકોના 7 લાખ કેરર્સને કામ કરવા અને કામના કલાકો વધારવા માટે પ્રોત્સાહિત કરી શકાશે. અભ્યાસ નથી કરી રહ્યાં તેવા યુવાઓને વર્કફોર્સમાં સામેલ કરવા માટે યૂથ ઓફર સ્કીમને 2028 સુધી લંબાવવામાં આવી છે.