જેલો ખાલી કરવા 1700 કેદી વહેલા મુક્ત કરાતાં પીડિતોમાં ફફડાટ

ઘરેલુ હિંસાના અપરાધીઓ મુક્ત થતાં પીડિત મહિલાઓમાં ચિંતાનું મોજું

Tuesday 10th September 2024 11:34 EDT
 
 

લંડનઃ બ્રિટિશ જેલો ભરચક બની જતાં સરકારે અમુક હિસ્સાની સજા કાપી ચૂકેલા અપરાધીઓને મુક્ત કરવાનો પ્રારંભ કરાયો છે. સરકારના આ પગલાંની સેંકડો પીડિતોને જાણ પણ નથી કે તેમની વિરુદ્ધ અપરાધ આચરનાર વ્યક્તિ સજાની મુદત પહેલાં જ મુક્ત થઇ રહી છે. સરકારે મંગળવારે 1700 કેદીઓને મુક્ત કરતાં જાહેર જનતા પરના જોખમમાં વધારો થયો હોવાની ચેતવણી અપાઇ છે. મુક્ત કરાયેલા કેદીઓમાં ઘરેલુ હિંસાના અપરાધીઓનો પણ સમાવેશ થાય છે. તેમની મુક્તિના કારણે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ પર ફરીથી જોખમ સર્જાયું છે.

સરકારના વિક્ટિમ કમિશ્નર બેરોનેસ ન્યૂલવે જણાવ્યું હતું કે, અપરાધીઓને મુક્ત કરવામાં આવી રહ્યાંની જાણ પીડિતોને કરાઇ નથી તે ખેદજનક બાબત છે. સરકારે આ બાબતનું ધ્યાન રાખવું જોઇતું હતું. અપરાધીઓ અંગે માહિતી આપતા વિક્ટિમ લાયઝન યુનિટોમાં છેલ્લા એક સપ્તાહમાં ઢગલાબંધ કોલ્સ આવ્યાં હતાં. પીડિતોના કોલ્સના કારણે ભારે અંધાધૂંધી સર્જાઇ હતી.

જેલોના ચીફ ઇન્સ્પેક્ટર ચાર્લી ટેલરે જણાવ્યું હતું કે, 10 સપ્ટેમ્બરના રોજ મુક્ત કરાયેલા કેદીઓમાંથી કેટલાક ફરી અપરાધ આચરે અને તેમને ફરી જેલમાં ધકેલી દેવામાં આવે તે બાબત અવગણી શકાય નહીં. સરકારની નવી યોજના અંતર્ગત 1700 કેદીઓને મુક્ત કરાયાં છે તેમાંથી કેટલાકે તો તેમને કરાયેલી સજાના 40 ટકા સજા જ ભોગવી છે.

જસ્ટિસ સેક્રેટરી શબાના માહમૂદે જણાવ્યું હતું કે, આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ભાંગી પડતા અટકાવવા માટે હજારો કેદીઓને મુક્ત કરવા અમે મજબૂર છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter